અમદાવાદ વિમાન દુર્ઘટનાને ૧ વર્ષ પૂર્ણ, એ `કાળા દિવસ’ની રૂઝાયા વગરની કણસ
એક વર્ષ પછી પણ દુર્ઘટનાગ્રસ્ત સાઇટ પર સમય જાણે થીજી ગયો છે
૧૨ જૂન ૨૦૨૫. અમદાવાદના ઇતિહાસનું એક એવું કાળું પાનું, જેણે સમગ્ર દેશ અને વૈશ્વિક ઉડ્ડયન જગતને હચમચાવી દીધું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો સાથે લંડન જવા રવાના થયેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર (VT-ANB) વિમાન ટેક-ઓફ્ફના થોડા જ સમયમાં ધ્વસ્ત થઈ ગયું હતું. એરપોર્ટની સરહદ વટાવીને આ વિમાન બાજુના મેઘાણીનગર વિસ્તારમાં, જ્યાં મેડિકલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને મેસ હતી, ત્યાં ખાબક્યું હતું.
આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી માત્ર ૧ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બાકીના ૨૪૧ લોકો કાળનો કોળિયો બની ગયા હતા. રહેણાંક વિસ્તારમાં વિમાન પડવાને કારણે જમીન પરના અન્ય ૧૯ નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. ૫૫ વર્ષીય અનુભવી કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર દ્વારા સંચાલિત આ ૧૧ વર્ષ જૂનું વિમાન પળવારમાં રાખનો ઢગલો થઈ ગયું હતું. બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરના ઇતિહાસમાં આ સૌથી પ્રથમ અને મોટી જાનહાનિ ધરાવતી વિમાન દુર્ઘટના હતી. આજે આ ઘટનાને પૂરા એક વર્ષ થઈ ગયા હોવા છતાં અમદાવાદના હૃદયમાં આ જખમ આજે પણ અકબંધ છે.
આ પણ વાંચો: આજે વિમાન દુર્ઘટનાની વરસી: બ્લેક બોક્સનું રહસ્ય હજુ હમણાં નહીં ખૂલે
માનસિક આઘાત અને ખંડેર બનેલીસાઇટ પર થીજી ગયેલો સમય
આ કરુણતા માત્ર સુરેશભાઈના ઘર પૂરતી સીમિત નથી. દુર્ઘટના સ્થળની બિલકુલ બાજુમાં એક નાનકડા તંબુમાં રહેતા ચાર લોકોના ગરીબ પરિવારની નજર સામે જ આ વિશાળ ધમાકો થયો હતો. આગની લપટોથી પિતાને ઈજા થઈ હતી, જ્યારે તેમનો માસૂમ પુત્ર એ દ્રશ્યોના આઘાતમાંથી આજે એક વર્ષ પછી પણ બહાર આવી શક્યો નથી. તેની છેલ્લા એક વર્ષથી સરકારી દવાખાનામાં માનસિક સારવાર ચાલી રહી છે. આજે એક વર્ષ પછી પણ દુર્ઘટનાગ્રસ્ત સાઇટ પર સમય જાણે થીજી ગયો છે. ચારેય તરફ ધુમાડાથી કાળી પડેલી દીવાલો અને ક્ષતિગ્રસ્ત ઇમારતો ઊભી છે. ત્યાં પડેલી વસ્તુઓ પર ધૂળની સાથે કાળી યાદોની પરત ચડી ગઈ છે. ક્યાંક મૃતકોના ફાટેલાં કપડાં, ક્યાંક બળીને ખાખ થઈ ગયેલા વાહનો, તો ક્યાંક મેસમાં જમતી વખતે પીરસાયેલી રોટલીના ટુકડા અને છાશની થેલીઓ હજુ પણ એમને એમ પડી છે. આ દ્રશ્યો આજે પણ એ કાળમુખા દિવસની ભયાનકતાની સાક્ષી પૂરી રહ્યા છે.
કાળજું કંપાવતી આપવીતી: સુરેશભાઇના કાનમાં આજેય ગુંજે છે એ ધડાકો
એક વર્ષ વીતી ગયું, પણ કાળો ધુમાડો અને એ ધડાકાનો અવાજ શાહીબાગની ગલીઓમાં આજેય સુરેશ પટણીના કાનમાં ગુંજે છે. વ્યવસાયે ઓટો રિક્ષા ચલાવતા સુરેશભાઈ ઘટનાસ્થળથી થોડે જ દૂર શાહીબાગ પાસે પોતાની રિક્ષા લઈને ઊભા હતા. આકાશમાં ધુમાડો જોઈને તેમને અંદાજ નહોતો કે આ આગ તેમના જ હસતા-રમતા પરિવારને ભસ્મીભૂત કરી રહી છે. `મોટા દીકરાનો ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થયું છે અને પૂછ્યું કે આકાશ ક્યાં છે? બસ, એ જ ક્ષણે મારું કાળજું ધબકારો ચૂકી ગયું,’ સુરેશભાઈ ધ્રુજતા અવાજે યાદ કરે છે. લારી પાસે આરામ કરી રહેલા ૧૫ વર્ષના માસૂમ આકાશને વિમાનની પાંખ આંબી ગઈ હતી. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમનો એ ઠંડો રસ્તો સુરેશભાઈ માટે જિદગીનો સૌથી આકરો રસ્તો બની ગયો. આ આઘાત એટલાથી ન અટક્યો. આકાશને આગમાં ઘેરાયેલો જોઈને તેની માતા સીતાબેન તેને બચાવવા દોડ્યા અને પોતે પણ ગંભીર રીતે દાઝી ગયા. તેઓ ૨૦ દિવસ સુધી ઈંઈઞમાં જિદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા રહ્યા. સુરેશભાઈએ પત્નીને જાણ કર્યા વગર જ પુત્રના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. દુખનો પહાડ તો ત્યારે તૂટ્યો જ્યારે આકાશના અવસાનના ૨૦ જ દિવસમાં સુરેશભાઈના પિતાનું પણ અવસાન થઈ ગયું. માત્ર ત્રણ અઠવાડિયામાં પિતા અને પુત્ર બંને ગુમાવનાર સુરેશભાઈ કહે છે, `હવે જિદગીમાં જીવવાનો કોઈ અર્થ બચ્યો નથી.’
