સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સ્ટોક ક્લીયરન્સ માટે ચાલુ મે માસ તેમજ આગામી જૂન માસ દરમિયાન રેશનકાર્ડ ધારકોને બબ્બે મહિનાનું અનાજ એડવાન્સમાં આપી દેવાશે. જો કે, ખાંડ મીઠું દાળ ચણા તેલ જેવીજણસી નિયમિત રીતે જ વિતરણ કરવામાં આવશે.
રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મફત અપાતા ઘઉં ચોખાનો જથ્થો એડવાન્સમાં આપી દેવામાં આવશે જેમાં ચાલુ મેં મહિનામાં મે મહિના ઉપરાંત જૂન મહિનાનો જથ્થો વિતરણ કરવામાં આવશે. સાથે જ આગામી જૂન મહિનામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો જથ્થો આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતા ખાંડ, મીઠું, દાળ, ચણા અને તેલ જેવી જણસીઓ વખતો-વખત આપવામાં આવે છે તે રીતે દરમહિને રેગ્યુલર વિતરણ કરવામાં આવશે.પુરવઠા વિભાગના સત્તાવાર વર્તુળોએ પુરવઠા વિભાગના ગોડાઉનમાં પડેલા જુના જથ્થાના સ્ટોક ક્લીયરન્સ માટે રેશનકાર્ડ ધારકોને એડવાન્સમાં ઘઉં-ચોખા આપવામાં આવનાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
ઈ-કેવાયસી મુદ્દે પરવાનેદારોની સ્થિતિ કફોડી
રાજ્યમાં છેલ્લે 10 એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવા છેલ્લી મુદત આપવામાં આવ્યા બાદ પણ સમગ્ર રાજ્યના એનએફએસએ રેશનકાર્ડધારકોનું લગભગ 70% સુધી માંડ ઈ કેવાયસી થઈ શક્યું છે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જૂન 2025ના માસમાં જે લોકોનું ઈ કેવાયસી થયું હશે તેઓને જ જથ્થો આપવાનો છે એવી નીતિ હેઠળ સસ્તા અનાજના દુકાનદારોને જૂન 2025નો જથ્થો ઈ- કેવાયસી કરેલા રાશનકાર્ડ મુજબ જ ફાળવવામાં આવ્યો છે ત્યારે ઈ -કેવાયસીમા બાકી રહેલા રેશનકાર્ડધારકોએ ઝડપથી ઈ-કેવાયસી કરાવી લેવા સૂચવવામાં આવ્યું છે ત્યારે વિસંગતતા એવી થવાની છે કે જે કાર્ડ ધારકો ઈ- કેવાયસીમાં બાકી છે તેઓ હાલમાં ઈ કેવાયસી કરશે અને ત્યારબાદ જૂન મહિનાનો પોતાનો જથ્થો લેવા સસ્તા અનાજની દુકાન ખાતે જશે ત્યારે તેમને મળવા પાત્ર જથ્થો સસ્તા અનાજની દુકાનમાં અગાઉથી પહોંચ્યો જ નહી હોય આવી પરિસ્થિતિમાં ફરી એક વખત રાશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપના વિક્રેતાઓ વ્યક્ત કરી છે.