દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર
ત્રણ-ત્રણ વરસાદી સીસ્ટમને લીધે આભ નીચોવાયુ અને હજુ નીચોવાશે
ઉમરપાડામાં ૯, વિજાપુરમાં ૮, કપડવંજમાં ૬, છોટાઉદેપુર-માણસા-વાપી-સોનગઢમાં ૫, ધરમપુર-વિસનગર-દહેગામ-માંગરોળમાં ૩ ઇંચ વરસાદ
અનેક વિસ્તાર જળમગ્ન : રાજ્યના ૧૬૫ તાલુકામાં પડ્યો વરસાદ
ગુજરાત અને રાજસ્થાન ઉપર બનેલી વરસાદની ત્રણ ત્રણ સિસ્ટમને લીધે ભારે વરસાદ પડ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે જ સાતમ-આઠમના તહેવારો ઉપર જ મેઘરાજાએ ગુજરાતમાં પધરામણી કરી છે. આમ તો છેલ્લા ત્રણ દિવસથી છૂટક છૂટક વરસાદ પડી જ રહ્યો છે પણ શનિવારે તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી. સૌથી વધુ વરસાદ સુરત પાસેના ઉમરપાડામાં ૯ ઇંચ પડ્યો હતો. આ સિવાય મહેસાણાના વિજાપુરમાં માત્ર ચાર કલાકમાં ૮ ઇંચ પાણી પડી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ થઇ ગઈ હતી. શનિવારે ઉમરપાડામાં ૯, વિજાપુરમાં ૮, કપડવંજમાં ૬, છોટાઉદેપુર-માણસા-વાપી-સોનગઢમાં ૫, ધરમપુર-વિસનગર-દહેગામ-માંગરોળમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો આ ભારે વરસાદથી જનજીવનને પણ અસર પહોંચી હતી. હવામાન ખાતાએ હજુ આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ભારે વરસાદના અનુમાનને લઇને આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં એલર્ટ આપ્યું છે. આજે વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર, મધ્ય અને દક્ષિણના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તાર જળમગ્ન બન્યા હતા અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને ટીબી રોડ, બોમ્બે સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાતા બજારો સજ્જડ બંધ થઇ ગઇ હતી દુકાનો અને રહેણાંક ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરની ઘરવખરી અને માલેન પારાવાર નુકસાન થયું છે.
મહેસાણા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વિસનગર ઉપરાંત વડનગર, ઊંઝામાં ભારે વરસાદ પડ્યો હતો. . ભાંડુ, વાલમ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તાર પર મેઘો મહેરબાન થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું.