કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કેટલીક નોન લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ઇન્શ્યોરન્સ નિયામક ઇરડા સમક્ષ માગ કરી છે. જો એ મંજૂર થાય તો 2022 પછી પહેલી વખત થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં વધારો થશે. સતત વધતા અંડરરાઇટિંગ નુકસાન અને ક્લેમની વધતી જતી કિંમતને કારણે કંપનીઓ પ્રીમિયમ વધારવાની માગ કરી રહી છે.
મોટર ઇન્શ્યોરન્સ ક્ષેત્રનું કદ રૂ. એક લાખ કરોડથી વધુ છે. મોટર ઇન્શ્યોરન્સમાં અંડરરાઇટિંગ નુકસાન ત્યારે થાય છે જ્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓને મળતા પ્રીમિયમ કરતાં ક્લેમ ચુકવણી માટે વધુ રકમ ખર્ચવી પડે. અહેવાલ મુજબ આ ક્ષેત્રમાં વધતા નુકસાન ઉપરાંત સુપ્રીમ કોર્ટના તાજેતરના એક ચુકાદાએ પણ ઇન્શ્યોરન્સ કંપનીઓની ચિંતા વધારી છે. આ ચુકાદામાં ક્લેમની ગણતરી કરતી વખતે ગૃહિણીઓના ઘરકામની આર્થિક કિંમત (રૂ. 30,000 પ્રતિ મહિના)ને પણ ગણતરીમાં સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેને કારણે ક્લેમ ચુકવણીનો ખર્ચ વધુ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: લખનૌ-કાનપુર એક્સપ્રેસ-વેમાં માત્ર 12 જ દિવસમાં મોટી તિરાડો
દેશમાં છેલ્લે પહેલી જૂન, 2022એ થર્ડ-પાર્ટી મોટર ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે IRDAIની ભલામણોને આધારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયદ્વારા નવા દરો જાહેર કરવામાં આવ્યા હતા. 2022 પહેલાં કોવિડ-19 મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે વાહનમાલિકો પરનો આર્થિક બોજ ઘટાડવા માટે પ્રીમિયમ દરોમાં કોઈ વધારો કર્યો નહોતો.
સુપ્રીમ કોર્ટે 11 જૂન, 2026ના ચુકાદામાં મોટર વાહન અધિનિયમ હેઠળ વળતર નક્કી કરતી વખતે ગૃહિણીઓના બિનવેતન ઘરેલુ કામની આર્થિક કિંમતને માન્યતા આપી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ નિર્ણયને કારણે મોટર થર્ડ-પાર્ટી લોસ રેશિયો 12 ટકાથી 15 ટકા સુધી વધી શકે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓનું કહેવું છે કે પ્રીમિયમ અને જોખમ વચ્ચેનું સંતુલન જાળવવા માટે દરોમાં વધારો કરવો જરૂરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ચ, 2026 સુધીના નાણાકીય વર્ષમાં મોટર ઈન્શ્યોરન્સના કુલ રૂ. 1.08 લાખ કરોડ પ્રીમિયમમાંથી રૂ. 64,227 કરોડ (લગભગ 60 ટકા) માત્ર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સમાંથી આવ્યા હતા.
