મોડીરાત્રે આવેલા ધરતીકંપની અસર જેતપુર સુધી જોવા મળી: લોકો ઘર બહાર દોડી ગયા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક તરફ આકાશી આફત કહેર વરસાવી રહી છે ત્યારે ઉપલેટા પંથકમાં જમીનમાં ભારે સળવળાટ જોવા મળ્યો છે. મોડીરાત્રે ઉપલેટા નજીક ૩ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધોરાજી, જેતપુર સુધી તેની ધ્રુજારી જોવા મળી હતી અને લોકો ભરનિંદ્રામાંથી જાગીને જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા.
જાણવા મળ્યા મુજબ મોડીરાત્રે ૨.૩૮ કલાકે ઉપલેટા, ધોરાજી, જેતપુર પંથકમાં ૩ની તીવ્રતાનો ભૂકંપ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ૨૦ કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર દિશામાં જેતપુર નજીક પેઢલા ગામ પાસે જોવા મળ્યું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી અંદર ૬.૩ કિલોમીટરની ઉંડાઈ પર જ હોવાનું ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીક રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પના નિવેદન બાદ સ્ટોક માર્કેટ કડડભૂસ, સેન્સેક્સમાં 1,677 પોઇન્ટનો જંગી કડાકો
મોડીરાત્રે આવેલા ભૂકંપની અસર ઉપલેટા, ધોરાજી અને જેતપુર સુધી જોવા મળી હતી અને ઘરને બારી-બારણા ખખડવા લાગતા લોકો જીવ બચાવવા ભર નિંદ્રામાંથી જાગીને ઘરની બહાર દોડી ગયા હતા.
એક તરફ ઉપલેટા-ધોરાજી પંથકમાં આકાશી આફત જોવા મળ્યા બાદ હવે ધરતીકંપ આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. જો કે ૩ની તીવ્રતાના ભૂકંપથી કોઈ વ્યાપક નુકસાન નહીં હોવાનું જાણવા મળ્યું છે.
