મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે વલસાડ જિલ્લાનો મધુબન ડેમ છલકાઈ ગયો છે. ઉપરવાસમાંથી આવતા પાણીના ભારે ધસારાને કારણે તંત્રએ ડેમના 8 દરવાજા 4 મીટર સુધી ખોલી નાખ્યા છે. હાલ ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી બે કાંઠે વહેતી થતા વાપી, સેલવાસ અને દમણના નીચાણવાળા વિસ્તારોને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
1.25 લાખ ક્યુસેક આવક સામે 1.50 લાખ છોડાયું, ડેમ ઓવરફ્લો ટાળવા તજવીજ
છેલ્લા 48 કલાકથી વલસાડ અને ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં અચાનક મોટો વધારો થયો છે. હાલ ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.
જળસ્તરને કાબૂમાં રાખવા અને ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ મધુબન ડેમના કુલ 8 દરવાજા 4 મીટર સુધી ખોલી દીધા છે. આ દ્વારા હાલ 1.50 લાખ ક્યુસેક પાણીનો જંગી જથ્થો દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
દમણગંગા ગાંડીતુર, વાપીનો વિયર સંપૂર્ણ ઓવરફ્લો
ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પવિત્ર દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાપી નજીક આવેલો દમણગંગા વિયર સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે અને પાણી રસ્તા પર ફરી વળ્યા છે.
નદીના વધતા જળસ્તરને પગલે વહીવટી તંત્ર દ્વારા સેલવાસ, વાપી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના નદીકાંઠાના તમામ ગામોને હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવા, પુલ પર ન જવા અને બિનજરૂરી અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી: હજુ વરસાદ રહેશે, NDRFની ટીમો સ્ટેન્ડબાય
હવામાન વિભાગે વલસાડ જિલ્લા માટે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ડેમમાં વધુ પાણી આવવાની શક્યતા છે.
આને ધ્યાનમાં રાખીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને ચોવીસ કલાક એક્ટિવ રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. NDRF અને ફાયરની ટીમોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
તંત્રની અપીલ:
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ન આપવું અને માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું. નદીના પટમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોખમી છે.
હાલ મધુબન ડેમ અને દમણગંગા નદીની સ્થિતિ પર તંત્રની બાજ નજર છે. આગામી 24 કલાક વલસાડ માટે અત્યંત મહત્વના છે.
