મુંબઈમાં બાન્દ્રા-વરલી સી-લિંક પર કાર ઊભી રાખવાની મનાઈ હોવા છતાં ભર વરસાદે કાર ઉભી રાખી ડાન્સ કરવાનું રાજકોટના ત્રણ અને જુનાગઢના એક યુવાનને ભારે પડી ગયુ હતું. વરલી પોલીસે આવું ગતકડું કરનારા યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, વરલી ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલની ફરિયાદને આધારે વરલી પોલીસે પકડેલા ચાર યુવકોમાં ત્રણ રાજકોટના (અજ્ઞાન અબ્દુલભાઈ કાદરી, સાજિદ રફીકભાઈ સમા, વસીમ રફીકભાઈ સમા) અને એક જૂનાગઢનો (નાદીરઅલી મોહમ્મદ નોએદા) વતની છે.
આ પણ વાંચો: મોડીરાત્રે આવેલા ધરતીકંપની અસર જેતપુર સુધી જોવા મળી: લોકો ઘર બહાર દોડી ગયા
આ યુવકો પોતાની મહિન્દ્રા સ્કોર્પિયો કાર સી-લિંક પર વરલી તરફ જતા રોડની વચ્ચે ઊભી રાખી, કારમાંથી નીચે ઉતરીને ધોધમાર વરસાદમાં ડાન્સ કરી રહ્યા હતા અને રીલ શૂટ કરતા હતા.પોલીસના જણાવ્યા મુજબ બપોરે બે વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ પર હાજર ટ્રાફિક કોન્સ્ટેબલ સ્વપ્નિલ વાઘમારેને માહિતી મળી હતી કે સી-લિંક પર બ્લૅક સ્કોર્પિયો ઊભી રહી હતી અને તેમાંથી ઊતરેલા ચાર યુવક વરસાદમાં ડાન્સ કરતા હતા. આ કાર વરલી તરફ જઈ રહી હોવાનું જાણવા મળતાં સી-લિંકના વરલીના છેડે તેને આંતરવામાં આવી હતી. એ સિવાય બાન્દ્રા તરફના ટોલપ્લાઝા ખાતે સીસીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં.
કાર રાજકોટના રસુલપરા ખાતે રહેતો અજ્ઞાન કાદરી ચલાવતો હતો. યુવકોએ કબૂલ્યું હતું કે વરસાદની મોજ માણવા તેમણે કાર સી-લિંક પર ઊભી રાખી હતી અને પછી ડાન્સ કર્યો હતો.
