- બીએસએલ-3 લેબોરેટરીની મુલાકાત લેવાની સાથે રાજકોટ એઇમ્સની સર્વાંગી સમીક્ષા કરશે
રાજકોટ : આગામી 10મીએ રાજકોટ ખાતે યોજાનાર તિરંગાયાત્રામાં સહભાગી થવા આવી રહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજકોટ એઇમ્સની મુલાકાત લઇ અહીં શરૂ થનાર બીએસએલ -3 લેબ, વિવિધ વિભાગો તેમજ ફેબ્રુઆરીમાં એઇમ્સ શરૂ થયા બાદ કેટલા દર્દીઓએ ઇન્ડોર -આઉટડોર પેશન્ટોની સારવાર સહિતની સર્વાંગી બાબતોની સમીક્ષા કરનાર હોવાનું જાણવા મળે છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સ્વતંત્રતાપર્વની ઉજવણી અંતર્ગત આગામી તા.10ના રોજ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ મુલાકાત દરમિયાન તેઓ એઇમ્સ રાજકોટની વિશેષ મુલાકાત લેશે, એઇમ્સ રાજકોટની મુલાકાત દરમિયાન જે.પી.નડ્ડા એઇમ્સ ખાતે આકાર લઈ રહેલા બીએસએલ -3 લેબ એટલે કે, બેક્ટેરિયા અને વાઇરસ અને ચેપી વાહક જન્ય રોગના સંશોધન માટે મહત્વની ગણાતી આ લેબની રૂબરૂ મુલાકાત કરશે. સાથે જ એઇમ્સ રાજકોટ દ્વારા ફેબ્રુઆરીથી એઇમ્સ કાર્યરત થયા બાદ અહીં કેટલા ઇન્ડોર – આઉટડોર પેશન્ટની સારવાર, ઓપરેશન કરાયા તે અંગેની વિસ્તૃત વિગતો પણ પુરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એઈમ્સને તાજેતરમાં જ 50 લાખની ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં એઇમ્સ રાજકોટ ક્યારથી ફૂલ ફલેન્જ કાર્યરત થશે, નવી ફેકલ્ટી શરૂ કરવા સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મહત્વનું છે કે, જે.પી.નડ્ડા આરોગ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત જ રાજકોટ એઇમ્સની મુલાકાત લેશે.