જિલ્લામાં સરફેસી એક્ટ મુજબ રૂ.16.12 કરોડની વસુલાત બાકી
સરફેસી એક્ટ મુજબ મિલ્કતો કબ્જે લેવામાં મહેસૂલતંત્રની ઢીલી નીતિ
રાજકોટ જિલ્લામાં બેન્કમાંથી લોન લીધા બાદ નાણાં ભરપાઈ નહીં કરી શકતા આસામીઓ સામે સરફેસી એક્ટ મુજબ પગલાં લેવામાં રાજકોટનું મહેસુલી તંત્ર ઢીલું પડી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે જિલ્લાના આઠ તાલુકામાં 171 કેસમાં 16.12 કરોડની વસુલાત બાકી હોવાના આંકડા સામે આવ્યા છે.
બેંકોના સશક્તિકરણ કરવાના હેતુ સાથે ઘડવામાં આવેલ સરફેસી એક્ટ અથવા સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 હેઠળ કોર્ટના હસ્તક્ષેપ વિના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) પુનઃપ્રાપ્ત કરવા પગલાં લેવામાં આવે છે જે અન્વયે બેકના ડિફોલ્ટરોની મિલ્કત મહેસુલ વિબાગ જપ્ત કરે છે. હાલમાં રાજકોટ જિલ્લાના આઠ તાલુકામાં સરફેસીં એક્ટ હેઠળ 171 કેસોમાં રૂપિયા 16.12 કરોડની વસુલાત બાકી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં સરફેસી એક્ટના સૌથી વધુ વસૂલાતના કેસ રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી હેઠળના છે અહીં 70 કેસમાં રૂપિયા 11,17,54,220ની વસુલાત બાકી છે. જયારે બીજા ક્રમે ગોંડલ ગ્રામ્યમાં 3,57,60,587 કરોડની વસુલાત 4 કિસ્સામાં બાકી છે. આ ઉપરાંત રાજકોટ તાલુકામાં 52 કિસ્સામાં 71,64,024 રૂપિયા અને રાજકોટ પૂર્વ મામલતદાર કચેરી હેઠળ 20 કિસ્સામાં 65,83,073ની વસુલાત મળી જિલ્લામાં કુલ 171 કેસમાં 16.12 કરોડની વસુલાત બાકી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.