વિદેશથી ભણીને આવેલા તબીબોનું ગુજરાતમાં શોષણ : સ્ટાઈપેન્ડ ન અપાતાં કફોડી હાલત
વિદેશ ભણીને પરત ફરતા ગુજરાતના મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓને આજીવિકાનું સાધન એવું સ્ટાઈપેન્ડ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મનમાની કરી સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરી અપાતું ન હોય, ડોક્ટરની ડિગ્રી લઈને આવેલા મેડિકલના વિદ્યાર્થીઓની હાલત કફોડી બને છે. આવા મેડિકલના વિદ્યાર્થીઓનું ખાનગી હોસ્પિટલો ભરપૂર શોષણ કરે છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ દરમિયાન સ્ટાઈપેન્ડ ન મળવાને કારણે વિદ્યાર્થીઓએ લીધેલી શૈક્ષણિક લોનના હપ્તા અને રહેવા, જમવાનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ બને છે. બીજા રાજ્યોમાં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ અપાય છે. જ્યારે ગુજરાતમાં ઈન્ટર્નશિપ દરમિયાન સ્ટાઈપેન્ડ અપાતું ન હોવાને કારણે ફોરેનથી ભણીને આવેલા વિદ્યાર્થીઓની હાલત મજૂરથી પણ બદતર બની જાય છે. જ્યારે આવા ઈન્ટર્ન ડોક્ટરોને સળંગ ૪૮ કલાકની ડયુટી આપી શોષણ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ઓન સ્ટુડન્ટને વહેલીતકે રૂા.૫૦,૦૦૦ જેટલું સ્ટાઈપેન્ડ ચાલુ કરવા તુરંત નવું નોટિફિકેશન બહાર પાડવા સ્ટુડન્ટના પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માગણી કરી છે. જે આ પ્રશ્નનું ટૂંક સમયમાં સોલ્યુશન નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ઓલ ઈન્ડિયા પેરેન્ટ્સ એસોસિએશન બેલારૂસ મેડિકલ સ્ટુડન્ટ્સને ફરજ પડશે.
દેશના ઘણા રાજ્યોમાં સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ ચૂકવાય છે છે અને સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે છતાં તેનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું અને ભેદભાવભર્યું વર્તન કરવમાં આવતું હોય રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તાત્કાલીક વિદ્યાર્થી ઓને સ્ટાઈપેન્ડ ચૂકવવા આદેશ કરો એવી પેરેન્ટ્સ એસોસિએશનની માંગણી છે. જરૂર પડ્યે એસોસિએશન ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. ગુજરાતના લોકોને ઉચ્ચકક્ષાની મેડિકલ સારવાર મળતી નથી અને એ માટે બહાર જવું પડે છે. આ બાબતને ગંભીરતાથી લઈ વહેલીતકે પગલાં લઈ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી સર્વવ્યાપી માંગણી ઉઠી છે. તેમ પરેશ વાનર (પ્રેસિડેન્ટ), જયેશભાઈ વેકરિયા (વાઈસ પ્રેસિડેન્ટ), વિનોદ ભાદુકિયા, મુકેશ પરમારે રજૂઆત કરી છે.