નશો કરીને આવેલા શખ્સે લોક દરબારમાં મેયરનું કર્યું અપમાન !
સમસ્યા કોઈ ન્હોતી છતાં ઉભો થઈને લવારાં કર્યે રાખતાં મામલો બીચક્યો: મેયર, સ્ટે. ચેરમેન સહિતે પણ રોકડું પરખાવ્યું
વોર્ડ નં.૧૫માં દેશી દારૂના વેચાણ, ગેરકાયદે બાંધકામ સહિતની ફરિયાદોનો ઢગલો: બાંધકામ, પાણી, ગટરની ફરિયાદોની તો ફિફટી
શહેરના દરેક વોર્ડમાં લોકોને શું મુશ્કેલી પડી રહી છે, નળ, ગટર, લાઈટ, પાણી, સફાઈ સહિતના પ્રશ્નો કેવા છે તે જાણવા માટે મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં લોક દરબારનું આયોજન કરાઈ રહ્યું છે. આ લોક દરબારમાં મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે. આવો જ એક લોક દરબાર વોર્ડ નં.૧૫ કે જ્યાંથી કોંગ્રેસના ચાર કોર્પોરેટરો ચૂંટાયેલા છે ત્યાં આયોજિત થયો હતો.
જો કે અહીં એક શખ્સ કે જે કથિત રીતે નશો કરીને કાર્યક્રમમાં હાજર રહ્યો તેણે મેયરનું અપમાન કરતા થોડી વાર માટે સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. સામાન્ય રીતે આ કાર્યક્રમમાં વોર્ડની સમસ્યા અને પ્રશ્નો રજૂ કરતા હતા પરંતુ આ શખ્સને કોઈ પ્રકારની સમસ્યા ન્હોતી છતાં જાણે કે પોતે ભાષણ જ આપવું હોય તેવી રીતે ઉભા થઈને બોલવા લાગ્યો હતો જેથી તેને પોતાની સમસ્યા જણાવવા મેયરે કહેતાં જ ગીન્નાયો હતો `તમે મને આ રીતે ન કહી શકો, તમે અમારા સેવક છો’ કહી મેયરની ગરિમા જાળવી ન્હોતી.
ખાસ કરીને રાજકોટના મેયર તરીકે અત્યારે મહિલા કાર્યરત છે જેમનું ગરિમા જાળવવી સૌ નાગરિકની ફરજ છે આમ છતાં શખ્સ ભાન ભૂલતાં મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી સહિતનાએ શખ્સને રોકડું પરખાવી દીધું હતું.
વોર્ડ નં.૧૫માં સમસ્યાની વાત કરવામાં આવે તો દેશી દારૂના વેચાણ, ગેરકાયદે બાંધકામ સહિતની ૧૨૬ ફરિયાદો આવી હતી. આ ઉપરાંત પાણી-ગટર તેમજ બાંધકામને લગત ફરિયાદોની સંખ્યા ૫૧ આવતાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.