છેલ્લા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસાદ : સૌથી વધુ જામકંડોરણામાં 5.6 ઇંચ ખાબક્યો, આજે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદભવેલી વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે ગુરુવારે રાજકોટમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યા બાદ મેઘરાજાએ બપોરે એક વાગ્યા બાદ સાંબેલાધારે દે ધનાધન વરસાદ વરસવાનું શરૂ કરતા બપોરે એકથી ત્રણના બે કલાકના સમયગાળામાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બપોરે એકથી સાંજના સાત વાગ્યા સુધીમાં રાજકોટમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગઇકાલે રાજ્યના 199 તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ 16 જિલ્લામાં એક વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ

કચ્છ, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, સુરત, ભાવનગર, દેવભૂમી દ્વારકા, દીવ, દમણ અને દાદરાનગર હવેલી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદ
ગઇકાલે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુરુવાર સાંજે છ વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરામાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 199 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ગુરુવારે વહેલી સવારે રાજકોટમાં ઝરફર મેહુલો વરસ્યા બાદ બપોરે એક વાગ્યાના અરસામાં ઝાપટા વરસવા શરૂ થયા હતા અને થોડી જ ક્ષણોમાં મેઘરાજાએ દે ધનાધન સાંબેલાધારે વરસવાનું શરૂ કરતા એકથી ત્રણ વાગ્યાના અરસામાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદને કારણે રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેમાં રૈયા ચોકડી, એસ્ટ્રોન ચોક, 150 ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, મહિલા કોલેજ અંડરબ્રિજ, રેલનગર અંડરબ્રિજ, એસ્ટ્રોન નાલુ સહિતના વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.
આ પણ વાંચો : આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
બીજી તરફ રાજકોટ શહેરમાં બપોરે એકથી લઈ સાંજના સાત વાગ્યા સુધીમાં રાજકોટ શહેરના ઈસ્ટઝોનમાં 83 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 97 મીમી અને વેસ્ટઝોનમાં 75 મીમી વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને પગલે આજી-2 ડેમમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલવામાં આવતા પડધરી તાલુકાના અડબાલકા,બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા જિલ્લા ફલડ કંટ્રોલ યુનિટે આદેશ કર્યો કરી નીચાણવાળા વિસ્તારના 10 ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.