બેદરકારીથી અકસ્માતમાં મોત થાય તો વળતર મળી શકે નહિ : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેની બેદરકારી અથવા વધુ પડતી ઝડપને કારણે અથવા ખોટી રીતે વાહન ચલાવવાથી મૃત્યુ પામે છે, તો વીમા કંપનીઓ તેના પરિવારને વળતર ચૂકવવા માટે બંધાયેલી રહેશે નહીં. દેશમાં એવા અકસ્માતો વધી રહ્યા છે જેમાં વધુ પડતી ગતિ જવાબદાર રહી છે અને વાહન ચાલકની ભૂલ ઘાતક બની રહી છે.

સ્પીડથી વાહન ચલાવનારાઓ અને સ્ટંટ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરનારાઓ માટે એક મજબૂત સંદેશ માનવામાં આવી રહ્યો છે. એક કેસમાં, જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આર. મહાદેવનની બેન્ચે મૃતકની પત્ની, પુત્ર અને માતાપિતાની વળતરની માંગણીને ફગાવી દીધી છે. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે આવા કિસ્સાઓમાં વળતરની માંગણીઓને ફગાવી દીધી છે.
કયા કેસમાં નિર્ણય આપ્યો
કોર્ટે આ નિર્ણય એક વ્યક્તિ સાથે સંબંધિત કેસમાં આપ્યો હતો જે વધુ ઝડપે અને બેદરકારીથી કાર ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માત 18 જૂન 2014 ના રોજ થયો હતો, જ્યારે એન.એસ. રવિશ કર્ણાટકના મલ્લાસન્દ્રા ગામથી આર્સીકેરે શહેર જઈ રહ્યા હતા. તેમના પિતા, બહેન અને બહેનના બાળકો તેમની સાથે હતા.

રવિશે ખૂબ જ ઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવી અને ટ્રાફિકના નિયમો તોડ્યા. માયલાનહલ્લી ગેટ પાસે તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે કાર પલટી ગઈ. આ અકસ્માતમાં રવિશ ઘાયલ થઈને મૃત્યુ પામ્યો હતો.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસાદ : સૌથી વધુ જામકંડોરણામાં 5.6 ઇંચ ખાબક્યો, આજે 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
કોર્ટે શું કહ્યું?
રવિશના પરિવારે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની પાસેથી 80 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. પરિવારે દાવો કર્યો હતો કે રવિશ કોન્ટ્રાક્ટર તરીકે દર મહિને 3 લાખ રૂપિયા કમાતા હતા. પરંતુ પોલીસ ચાર્જશીટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ અકસ્માત રવિશની બેદરકારી અને ઝડપી ગતિને કારણે થયો હતો. મોટર એક્સિડેન્ટ ટ્રિબ્યુનલે પરિવારની માંગણી ફગાવી દીધી હતી.