રમતાં-રમતાં અચાનક બાળકી ગુમ થઈ પરિવારની શોધખોળ દરમિયાન ટાકા નજીકથી ચપ્પલ મળ્યા, બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાઈ પણ જીવ ન બચ્યો
શહેરના ગોકુલધામ ત્રણ માળિયા ક્વાર્ટરમાં કમ્પાઉન્ડમાં રમી રહેલી ૬ વર્ષીય માસૂમ બાળકીનું પાણીના ભરેલા ટાંકામાં પડી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રમતાં-રમતાં અચાનક ગુમ થયેલી બાળકી ટાકામાં ડૂબેલી હાલતમાં મળી આવતાં હોસ્પિટલ ખસેડાઈ પણ તબીબે મૃત જાહરે કરતાં પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ, ગોકુલધામ ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા દીપકસિગ ઠાકુરની ૬ વર્ષીય પુત્રી આસ્થા બપોરના સમયે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમી રહી હતી. તેણીના માતા ઘરમાં કામ કરી રહ્યા હતા. થોડીવાર બાદ માતા ઘરની બહાર આવતા દીકરી ક્યાંય જોવા મળી ન હતી. આથી તેઓએ ગભરાઈને આસપાસ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સોસાયટીના પાણીના ટાંકા પાસે બાળકીના ચપ્પલ પડેલા જોવા મળ્યા હતા જેથી ટાકામાં જોતા બાળકી ડૂબેલી હાલતમાં જોવા મળી હતી. તત્કાલિક તેણીને હોસ્પીટલે ખસેડાઈ હતી પરંતુ ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહરે કરી હતી. બનવાની જાણ થતાં માલવિયા નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક આસ્થાના પિતા દીપકસિગ ઠાકુર ડ્રાઇવિગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર મૂળ બિહારનો વતની છે પરંતુ રોજગારી અર્થે છેલ્લા દસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયો છે. આસ્થા બે ભાઈ અને એક બહેન એમ ત્રણ ભાઈ-બહેનોમાં વચેટ હતી.
