ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
એક સમય હતો કે પોલીસ વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધતી ન્હોતી
જામીન મુક્ત થયેલા વ્યાજખોરની ટ્રીટમેન્ટ કરી સોના-ચાંદીના ઘરેણા મળી ૧ કરોડથી
વધુની માલમત્તા ભોગ બનનારાઓને પરત અપાવતા પોલીસની કરી સરાહના
સમયનું ચક્ર ફરે તેમ વ્યાજખોરો માટે પણ સમયની ગતિ ન્યારી બની હોય તે રીતે એક સમય હતો કે વ્યાજખોરો સામે ફરિયાદ નહીં અરજીઓ પણ માંડ લેવાતી હતી. હવે પોલીસ ગુનાઓ તો નોંધે છે સાથે ભોગ બનનારાઓને તેમની ધનરાશી કે ગીરવે મુકેલી વસ્તુઓ પણ પરત અપાવે છે. રાજકોટ રૂરલ પોલીસે સુલતાનપુરના વ્યાજખોરની ટ્રીટમેન્ટ કરી ભોગ બનેલા લોકોને તેમના વાહનો, ઘરેણા, દસ્તાવેજો તથા કોરા ચેકો મળી એક કરોડથી વધુની માલમત્તા પરત અપાવીને ઉમદા કાર્ય કર્યું છે.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે આપેલી માહિતી મુજબ સુલતાનપુરના હનીફ ઉર્ફે કાળુ ઈસ્માઈલભાઈ સલાટ સામે વ્યાજખોરીનો ગુનો સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાયો હતો. આરોપીની ધરપકડ કરાઈ હતી. કાયદાકીય પ્રક્રિયા બાદ જેલ હવાલે થયો હતો. આરોપી સામે અન્ય ફરિયાદીઓ પણ બહાર આવ્યા હતા. વ્યાજના ગુના આરોપમાં હનીફ જામીન મુક્ત થતાં પોલીસ દ્વારા પોલીસની ઢબે સમજાવટ સાથે વ્યાજે નાણાં આપ્યાના બદલામાં જે જે વ્યક્તિઓની વસ્તુઓ ગીરવે લીધી હતી તે પરત આપી દેવા પોલીસે તૈયાર કર્યો હતો.
ત્રણ છકડો, એક ટે્રક્ટર તથા ૧૮ બાઈક મળી ૩૦ લાખના વાહનો આ ઉપરાંત બે વ્યક્તિના મકાનના દસ્તાવેજો લઈ લીધા હતા તે તેમજ ૨૧ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને ૨૩ ચેક પોલીસે કબજે લીધા હતા. ભોગ બનનારાઓનો ફરિયાદીઓનો સંપર્ક કરી બુધવારે એસપી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં તમામ લોકોને તેમની વસ્તુઓ પરત કરાઈ હતી. સ્વપ્ને પણ ધાર્યું ન હોય તે મુજબ ભોગ બનનારાઓને તો એવી જ આશ હતી કે હવે વધુ વ્યાજ ન માંગે રકમ ન માંગે, હેરાનગતિ ન કરે પરંતુ પોલીસે એથી એક કદમ આગળ ચાલીને ભોગ બનનારાઓને તેમની ચીજવસ્તુઓ પરત કરાવી પૂણ્યરૂપ કામ કર્યું હતું. ભોગ બનનારાઓએ પણ હર્ષિત બનીને પોલીસનો આભાર માન્યો હતો.
કોઇ કનડગત છે તો આ રહ્યા નંબરો, કરી શકો છો ફરિયાદ
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર (રાજકોટ રૂરલ પોલીસ હદ)માં કોઈપણ વ્યાજખોર, ગુનાઈત, અસામાજિક તત્વોનો ત્રાસ હોય, લુખ્ખાગીરી, નશીલા પદાર્થો કોઈ ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તો રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર મો.નં.૯૯૭૮૪ ૦૫૦૮૦, ધોરાજી ડિવિઝન એએસપી સિમરન ભારદ્વાજ મો.નં.૯૨૧૩૦ ૦૦૪૩૪, જસદણ પંથકમાં એએસપી નવીન ચક્રવર્તી રેપુડી મો.નં.૯૪૯૪૯ ૬૫૨૯૩ તથા ગોંડલમાં ડીવાયએસપી કે.જી. ઝાલા મો.નં.૯૯૭૮૪ ૦૭૦૯૫ અને જેતપુર તાલુકામાં આર.ઓ. ડોડીયા મો.નં.૯૯૭૮૪ ૦૮૧૮૮ નંબર પર ફરિયાદ કરી શકો છો તેમ રાજકોટ રૂરલ પોલીસની યાદીમાં જણાવાયું છે.
