એક સપ્તાહ પછી પણ નેશનલ હાઇ-વે સ્ટેટ હાઇ-વે સહિત 94 રાજમાર્ગ બંધ
ગુજરાતમાં એક સપ્તાહ પહેલાં પડેલા ભારે વરસાદના કારણે હજુ સ્થિતિ સામાન્ય નથી બની ત્યાં વધુ ચાર-ચાર વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય બની છે. એક સપ્તાહ પહેલાં પડેલા ભારે વરસાદના કારણે હજુ પણ રાજ્યના એક નેશનલ હાઈ-વે સહિત ૯૪ રાજમાર્ગ પરનો વાહન વ્યવહાર બંધ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ મધ્ય ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે અને રાજમાર્ગો ધોવાઈ ગયા હતા જેમાં આજના દિવસે પણ હજુ ૯૪ રાજમાર્ગ ૫રનો વાહન વ્યવહાર ઠપ્પ હોવાનું જણાવ્યું છે.
ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરનો નેશનલ હાઈ-વે એક અઠવાડિયા પછી પણ વાહન વ્યવહાર માટે બંધ છે. આ ઉપરાંત અમદાવાદના ૭ સ્ટેટ હાઈ-વે ગાંધીનગરનો એક સ્ટેટ હાઈ-વે તેમજ અમદાવાદ, ખેડા, આણંદ, પાટણ, વડોદરા, વલસાડ, રાજકોટ, મોરબીના ૧૧ અન્ય માર્ગ તેમજ પંચાયત હસ્તકના ૭૪ રાજમાર્ગ મળી કુલ ૯૪ રાજ્યમાર્ગો બંધ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: GSPL ગેસ કંપનીની પાઇપલાઇનના વિરોધમાં 32 ગામના ખેડૂતોના ઉપવાસ આંદોલન
સપ્તાહ પછી પણ એસ.ટી.ના ૨૨ રૂટની ૧૫૦ ટ્રીપ રદ
ગુજરાત-સૌરાષ્ટ્રમાં એક સપ્તાહ પહેલાં પડેલા ભારે વરસાદને કારણે સૌથી વધુ નુકસાની રાજ્યના રાજમાર્ગો પર જોવા મળી છે જેમાં હજુ પણ ૯૪ રાજમાર્ગો વાહન વ્યવહાર માટે બંધ હોવાના કારણે એસ.ટી.ના ૨૨ રૂટની ૧૫૦ ટ્રીપ આજે પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે જેમાં અમદાવાદના ૨૦ રૂટની ૧૪૩ ટ્રીપ, ભરૂચના એક રૂટની ૬ ટ્રીપ અને સાબરકાંઠાના એક રૂટની એક ટ્રીપનો સમાવેશ થાય છે જેના કારણે એસટી તંત્રને દરરોજ ૧,૪૭,૨૬૨ રૂપિયાની આવક ગુમાવી પડે છે.
