GSPL ગેસ કંપનીની પાઇપલાઇનના વિરોધમાં 32 ગામના ખેડૂતોના ઉપવાસ આંદોલન
મોરબીના જેતપરમાં ખાનગી વીજ કંપની સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં હવે દેવભૂમિ દ્વારકામાં ગેસ કંપની સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યા બાદ ખેતરમાં જ ઉપવાસી છાવણી શરૂ કરી દીધી છે. GSPL કંપનીની ગેસ પાઈપલાઈન કોઈ કાળે ખેતરમાં નાખવા નહીં દઈએ તેવા સૂત્રોચ્ચાર કરી ૨૯ ગામના ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે.
મોરબીના જેતપર અને સુરેન્દ્રનગરમાં હેવી વીજલાઈન ટાવર ખેતરમાં નાખવા સામે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે જેનો હજુ નિવેડો નથી આવ્યો ત્યાં ગેસ કંપની GSPL સામે ખેડૂતો મેદાને ઉતર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૯ અને જામનગર જિલ્લાના ૩ ગામમાંથી ગેસની પાઈપલાઈન નાખવાની હોય ગેસ કંપની પહેલાં વળતરની રકમ જાહેર કરે પછી જ ગેસલાઈન નાખવા દેવામાં આવશે તેવા બેનરો સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
આ પણ વાંચો: અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાંથી 7387 લોકોનું સ્થળાંતર
છેલ્લા ૧૫ દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો કિસાન સંઘના આગેવાન પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ઉપવાસી છાવણી શરૂ કરી દીધી છે.
સતતત્રણ દિવસથી છાવણીમાં દરરોજ ૧૦૦થી વધુ ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. બીજીબાજુ આજે પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે આવેલ GSPL કંપનીની ઓફિસે રજૂઆત કરી કાયદાકિય લડત પણ શરૂ કરી દીધી છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારે ખેતરમાં ગેસની પાઈપલાઈન નથી જોતી કંપની પોતાની વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી રજૂઆત કરી છે.
