એક પોલીસ સ્ટેશનમાં મંજૂર સ્ટ્રેન્થ કરતા અડધા ભાગનો તો બીજા પોલીસ મથકમાં પોણા ભાગનો સ્ટાફ હશે તે નહીં ચાલે
`કામગીરી’ને પહોંચી વળવા દરેક સ્ટેશનમાં સ્ટ્રેન્થ જેટલો મહત્તમ સ્ટાફ તૈનાત રખાશે : દરખાસ્ત તૈયાર: ટૂંક સમયમાં અપાશે આખરી ઓપ
વોઈસ ઓફ ડે । રાજકોટ
રાજકોટમાં અત્યારે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, પીસીબી, એસઓજી, બન્ને ઝોનની એલસીબી ઉપરાંત 13 પોલીસ મથક કાર્યરત છે. શહેરની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો છે પરંતુ પોલીસ મથક તેમજ બ્રાન્ચોમાં મુળ મહેકમ મતલબ કે મંજૂર કરાયેલા સ્ટાફ કરતા ઓછા સ્ટાફથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. આ જ કારણથી ઘણીવાર અરજદારોને `સ્ટાફ નથી’ જેવા જવાબો પણ સાંભળવા પડ્યા છે. વળી, અમુક પોલીસ મથકમાં સ્ટ્રેન્થ જેટલો ભલે સ્ટાફ ન હોય પરંતુ અન્ય પોલીસ મથક કરતા વધુ સ્ટાફ તૈનાત હોવાનું પણ જોવા મળી રહ્યું હોય `પ્લસ-માઈનસ’નો આ મુદ્દો પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવી જતાં હવે આ સમસ્યા દૂર કરવાની દિશામાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
દરેક પોલીસ મથકમાં મંજૂર સ્ટ્રેન્થ જેટલો સ્ટાફ ભલે તૈનાત ન રહે પરંતુ મહત્તમ સ્ટાફની નિમણૂક થાય તે માટે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે કૂવાડવા રોડ પોલીસ મથકમાં મંજૂર સ્ટ્રેન્થ 92ના સ્ટાફની છે પરંતુ ત્યાં હાલ 45નો સ્ટાફ તૈનાત છે. જો કે તેની તુલનાએ તાલુકા પોલીસ મથકમાં મંજૂર સ્ટ્રેન્થ 95ની છે પરંતુ ત્યાં સ્ટાફની સંખ્યા ૫૫ હોય બન્ને પોલીસ મથક વચ્ચે મંજૂર સ્ટ્રેન્થ કરતા સ્ટાફની સ્ટ્રેન્થમાં 10 જવાનોનો તફાવત આવી રહ્યો છે. જો કે હવે આ તફાવત દૂર થાય અને દરેક પોલીસ મથકમાં મંજૂર સ્ટ્રેન્થ જેટલો જ અથવા તો તેનાથી થોડો ઓછો સ્ટાફ તૈનાત રહે તે પ્રકારે નિમણૂક કરવાની દરખાસ્ત તૈયાર કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં ગહન વિચાર-વિમર્શ કર્યા બાદ તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.
એકંદરે નવો નિર્ણય લેવાયા બાદ દરેક પોલીસ મથકમાં સ્ટાફની તૈનાતગી નોંધપાત્ર સંખ્યામાં રહેનાર હોય દરેકે ફરજિયાત રીતે દોડવું જ પડશે સાથે સાથે ગુનાના ભેદ ઉકેલવા, અરજદારોને સાંભળવા, ફરિયાદ નોંધવા સહિતની કામગીરીમાં પણ ઝડપ આવશે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની બ્રાન્ચોમાં પણ સ્ટ્રેન્થ જેટલો જ સ્ટાફ મુકવા માટે તૈયારીઓ ચાલી રહી છે. એકંદરે હવેથી એક પોલીસ મથકમાં ૫૦ તો બીજા પોલીસ મથકમાં ૪૦નો સ્ટાફ હશે તે વાત ભૂતકાળ બની જશે.
આ પણ વાંચો : માતા બીજા લગ્ન કરે તો પુત્રીનો પિતાની સંપત્તિમાં અધિકાર યથાવત જ રહે છે : હાઇકોર્ટ
ટ્રેનિંગ પૂર્ણ કરી આવનાર જવાનોને સીધા ટ્રાફિકમાં ન મુકવા વિચારણા
ટૂંક સમયમાં 400થી વધુ લોકરક્ષક દળ તાલીમ પૂર્ણ કરી રાજકોટમાં ફરજ બજાવવા માટે તૈનાત થવાના છે ત્યારે ટ્રાફિક વિભાગને મજબૂત કરવા માટે 400માંથી 300 જવાનોને ટ્રાફિક બ્રાન્ચમાં મુકવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ અંગે ફેરવિચારણા કરવામાં આવશે કેમ કે ટે્રનિંગ પૂર્ણ કરીને આવ્યા બાદ જવાનોને સીધા ટ્રાફિક વિભાગમાં મુકી દેવામાં આવે તો તેમનું મોરલ ડાઉન થઈ જવા અથવા તો કામથી થાકી જવા સહિતની સમસ્યા ઉદ્ભવી શકે છે તેથી જવાનોને પોલીસ મથકનો અનુભવ અપાવ્યા બાદ ટ્રાફિક વિભાગમાં મુકવા તેવો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
અમુક પોલીસ મથકમાં તો 10થી 15નો સ્ટાફ નવરોધૂપ બેસી રહે છે !
એવી વિગત પણ જાણવા મળી કે શહેરના અમુક પોલીસ મથકમાં મંજૂર સ્ટ્રેન્થ (મહેકમ) જેટલો સ્ટાફ ભલે ઉપલબ્ધ ન હોય આમ છતાં ૧૦થી ૧૫ જવાનો એવા પણ છે જેઓ આખો દિવસ નવરાધૂપ જોવા મળતા હોય છે. આ જ કારણથી નવરાધૂપ રહેતા સ્ટાફને કામ પર લગાવી દેવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેથી દરેક પોલીસ મથકમાં સ્ટાફનું પૂરતું બેલેન્સ જાળવી શકાય અને પોલીસને લગત દરેક કામગીરી ઝડપથી કરી શકાય.
