રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા
જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી 72,307 કાર્ડિયાક ઇમરજન્સી નોંધાઈ
રાજ્યભરમાં કાર્ડિયાક ઇમરજન્સીમાં 13.60 ટકાનો વધારો
વોઈસ ઓફ ડે। રાજકોટ
રાજકોટ આમ તો રંગીલું શહેર કહેવાય છે પણ બદલાતા જતા સમય અને સંજોગોની અસર શહેરીજનો ઉપર પણ પડી છે. કામની દોડધામ અને જંકફૂડના અતિરેકને લીધે હ્રદયરોગના કેસ ચિતાજનક રીતે વધી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ચાલુ વરસે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં એટલે કે આઠ મહિનામાં જ રાજકોટમાં હ્રદય રોગને લગતા 4298 કેસ નોંધાયા છે. જો કે એકલા રાજકોટમાં જ આવું નથી પણ સમગ્ર રાજ્યમાં ઈમરજન્સી કેસમાં 13.60 ટકાનો ઉછાળો આવ્યો છે. બદલાતી જીવનશૈલી, આહાર અસંતુલન અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાને કારણે, ગુજરાતમાં કાર્ડિયાક ઇમરજન્સીમાં વધારો થયો છે.
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ડેટા અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યમાં 72,307 કાર્ડિયાક ઇમરજન્સી નોંધાઈ હતી. 2025માં આ જ સમયગાળામાં કેસોની સંખ્યા 63,652 હતી. આ એક જ વર્ષમાં 8,655 કેસનો વધારો દર્શાવે છે, જે 13.60 % નો વધારો દર્શાવે છે. રાજ્યમાં કાર્ડિયાક ઇમરજન્સી સૌંથી વધુ અમદાવાદમાં નોંધાઈ છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 સુધીમાં 18589 કેસ નોંધાયા હતા, જે 2025 ના સમાન સમયગાળામાં 18,095 કેસ હતા. અમદાવાદમાં 494 કેસનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ સુરતમાં 5,550 રાજકોટમાં 4,298 ભાવનગરમાં 3,872 અને વડોદરામાં 3,592 કાર્ડિયાક ઇમરજન્સી કેસ નોંધાયા.
108 એમ્બ્યુલન્સ (ગુજરાત) ના જનસંપર્ક અધિકારી વિકાસ બિહાનીના જણાવ્યા અનુસાર, કાર્ડિયાક ઇમરજન્સી ધરાવતા દર્દીઓને એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલોમાં લઈ જવામાં આવતા હતા. તબીબોના મતે, આહારની અનુશાસનહીનતા અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ હૃદયની સમસ્યાઓ માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનો એક છે. સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ હૃદયના જોખમને ઘટાડી શકે છે.
આ પણ વાંચો : રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાંથી `પ્લસ-માઇનસ’ની `સમસ્યા’ થશે દૂર!
હવે પ્રમાણમાં નાની ઉંમરના લોકોમાં હૃદયરોગ જોવા મળી રહ્યો છે, જેમાં 40 વર્ષની ઉંમરે પણ કેસ જોવા મળી રહ્યા છે. નિષ્ણાતો આ માટે જીવનશૈલી અને ખાવાની આદતોમાં ફેરફાર સહિત અનેક જોખમી પરિબળોને જવાબદાર માને છે. છાતીમાં દબાણ અથવા દુખાવો, હાથ, ખભા, પીઠ અથવા જડબામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક પરસેવો, ચક્કર અથવા ભારે નબળાઈ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં. જો આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સહાય લેવી મહત્વપૂર્ણ છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત આહાર, ધૂમ્રપાનથી દૂર રહેવું, પૂરતી ઊંઘ અને બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું નિયમિત નિરીક્ષણ હૃદયના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
