પોલીસ, SRP, જેલ અને વન વિભાગમાં વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં 20% અનામત
દેશ સેવા બાદ રોજગારની ચિંતા હવે પૂર્વ અગ્નિવીરોને નહીં સતાવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિવીરોને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પોલીસ હથિયારી વિભાગ, SRP, જેલ વિભાગ અને વન વિભાગની વર્ગ-3ની સીધી ભરતીમાં હવે પૂર્વ અગ્નિવીરો માટે 20% અનામત રાખવામાં આવશે. આ સાથે શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં 3થી 5 વર્ષની છૂટ પણ મળશે.
20% અનામત + વયમર્યાદામાં છૂટ + કસોટીમાંથી મુક્તિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે રાજ્ય સરકારની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20% હોદ્દા અનામત રાખવામાં આવશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એ છે કે અગ્નિવીરોને હવે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે Physical Testમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. સાથે જ ભરતીની નિયત ઉપલી વયમર્યાદામાં 3 વર્ષની સામાન્ય છૂટ આપવામાં આવશે.
અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના ઉમેદવારો માટે ખાસ જોગવાઈ કરાઈ છે. તેમને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષ સુધીની મુક્તિ મળશે, જેથી તેઓ સરળતાથી ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે.
કયા વિભાગોને ફાયદો?
આ 20% અનામતનો લાભ નીચેના સંવર્ગોની સીધી ભરતીમાં મળવાપાત્ર થશે:
1. પોલીસ હથિયારી વિભાગ: હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
2. SRP: પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલ
3. જેલ વિભાગ: જેલર ગ્રુપ-2 અને જેલ સિપાઈ
4. વન પર્યાવરણ વિભાગ: વનરક્ષક વર્ગ-3 અને વનપાલ વર્ગ-3
સૈનિકોના ભવિષ્યની સુરક્ષા
આ નિર્ણયથી 4 વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા અગ્નિવીરોને રાજ્ય સરકારમાં સ્થિર અને માનભેર રોજગાર મળશે. દેશસેવાની તેમની તાલીમ, શિસ્ત અને અનુભવનો સીધો લાભ રાજ્યની સુરક્ષા અને વન સંરક્ષણમાં મળશે. મુખ્યમંત્રીના આ પગલાને “અગ્નિવીર કલ્યાણ” દિશામાં મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારનો આ નિર્ણય અન્ય રાજ્યો માટે પણ આદર્શ બની રહેશે. દેશ માટે 4 વર્ષ સેવા આપનાર યુવાનોને હવે પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર સેવા આપવાની પ્રેરણા મળશે.
