રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધેર તંત્ર: થેલેસેમિયા બાળકોને લોહી, દવા, ઇન્જેક્શન મળતા નથી
રાજકોટમાં થેલેસેમિયા મેજર બાળકોને સિવિલ હોસ્પિટલમાં બ્લડ, દવા, ઈન્જેક્શન, ફિલ્ટર સેટ સહિતની વસ્તુઓ મેળવવામાં ભારે તકલીફ ભોગવવી પડતી હોય આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી થેલેસેમિયા મેજર બાળકોને બ્લડ સહિતની સુવિધાઓ તાકિદે ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
થેલેસેમિયા મેજર બાળકોને દર ૧૫ દિવસે શુધ્ધ ફિલ્ટર લોહી ચડાવવું પડે છે પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે ફિલ્ટર લોહી ઉપલબ્ધ નહીં હોવાનું કહી લોહી જોતું હોય તો ડોનર શોધી લાવવાનું કહેવામાં આવે છે.
આ પણ વાંચો: કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત
આ ઉપરાંત લોહીની સાથે વધારાના તત્વો ઘટાડવા માટે કેલ્કર નામની દવા આપવામાં આવે છે પરંતુ આ દવા પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નહીં હોવાનું અને બાળકોને ડેસ્કરાલ ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે તે ઈન્જેક્શનો પણ મળતા નથી.
એટલું જ નહીં થેલેસેમિયા મેજર બાળકોને શુધ્ધ લોહી ચડાવવું ફરજિયાત છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં લોહી શુધ્ધ કરવાનું એલ.આર. મશીન છે પણ તેનો ઉપયોગ નહીં કરાતો હોય જેના કારણે બાળકોને અશુધ્ધ લોહી ચડાવવાથી રિએક્શન આવતું હોવાની રજૂઆત કરી છે. તાકિદે ઘટતું કરવા માંગણી કરી છે.
