૨૫૦ કિમીની ઝડપે કાર દોડાવતા બે મિત્રોના મોત
મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત
જન્મદિવસ હોવાથી મિત્રની બી.એમ.ડબલ્યુ કારમાં લોંગ ડ્રાઈવ ઉપર જવું અને ભયાનક ઝડપે કાર ચલાવવી મુંબઈના યુવાનોને મોંઘી પડી હતી અને કાર અકસ્માતમાં બે મિત્રોના મોત થયા હતા જયારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.આ દુર્ઘટના થાણા પાસેના બાદલપુર નજીક મુંબઈ-વડોદરા હાઈવે ઉપર બની હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કાર ટોટલ લોસ થઇ હતી. તેનું એન્જિન અકસ્માત સ્થળથી લગભગ 30 મીટર દૂર જઈને પડ્યું હતું. પોલીસ મૃતકોમાંથી એકની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહી છે. જેમાં અકસ્માત પહેલા કારને 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હોવાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પોલીસ, SRP, જેલ અને વન વિભાગમાં વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં 20% અનામત
પોલીસને શંકા છે કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને સ્ટંટ કરવાને કારણે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ યોગેશ નેગી (26) અને યુવતી રેબેકા જેકબ (24) તરીકે થઈ છે. બંને બાંદ્રામાં રહેતા હતા. BMW માલિક અંગદની કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યોગેશ નેગીનો જન્મદિવસ હતો. સાંજે અંગદ, રેબેકા અને યોગેશે બદલાપુર (પશ્ચિમ)માં જન્મદિવસની ઉજવણી કરી અને પછી એક્સપ્રેસ વે તરફ નીકળી પડ્યા હતા.
એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે ઘણી જગ્યાએ કોંક્રિટ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે, તેજ ગતિએ ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરે કદાચ બેરિકેડથી બચવાનો પ્રયાસ કર્યો અને કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ હતી.
