ચોમાસુ આ વર્ષે વહેલુ…જાણો ક્યારે પહોંચશે કેરળ? IMDએ કરી આગાહી
નૈઋત્યનું ચોમાસુ નજીક આવી રહ્યુ છે અને આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર પગરણ થયા બાદ હવે કેરળ તરફ આગળ વધી રહ્યું છે.હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી ચાર થી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ જશે. સામાન્ય રીતે પહેલી જુન આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે પણ આ વખતે વહેલુ છે. હવામાન વિભાગે આ વખતે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી વધુ પડવાની આગાહી છે.
આ આગાહી પ્રમાણે ચોમાસુ વહેલું આવશે તો 2009 પછી આ સૌથી વહેલું ચોમાસું હશે. ૨૦૦૯માં 23 મેથી ચોમાસાની શરૂઆત થઈ હતી.આમ તો આ વખતે કેરળમાં ૨૭ મે આસપાસ ચોમાસુ બેસશે તેવી આગાહી અગાઉ કરવામાં આવી હતી.
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 1 જૂન છે. આ પછી, તે 8 જુલાઈ સુધીમાં દેશભરમાં ફેલાઇ જાય છે. ત્યાર પછી 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી ચોમાસું પરત ફરવાનું શરૂ થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રીતે વરસાદની સીઝન સમાપ્ત થઇ જાય છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર, 50 વર્ષની સરેરાશ 87 સેમીના 96 ટકાથી 104 ટકા વચ્ચે વરસાદ સામાન્ય માનવામાં આવે છે. લાંબા ગાળાની સરેરાશના 90 ટકાથી ઓછો વરસાદ ઓછો ગણવામાં આવે છે. 90 ટકાથી 95 ટકા વચ્ચેના વરસાદને “સામાન્યથી ઓછો” માનવામાં આવે છે. 105 ટકાથી 110 ટકા વચ્ચેના વરસાદને “સામાન્યથી વધુ” ગણવામાં આવે છે, અને 110 ટકાથી વધુ વરસાદને “અતિશય” વરસાદ માનવામાં આવે છે.