બંગાળ હિંસા મામલે થયો નવો ધડાકો : તુર્કીથી આવ્યું હતું ફંડ, 3 માસ પહેલા જ ઘડાયું’તું કાવતરું
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા થઈ છે. મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા, જયારે સેંકડો લોકો ઘાયલ થયા છે. દરમિયાન, મુર્શિદાબાદ હિંસાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓના સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આ હિંસાનું પ્લાનિંગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યું હતું.
છેલ્લા 3 મહિનાથી વિસ્તારના લોકો આ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે વિદેશથી ફંડિંગ કરવામાં આવ્યું હતું. તુર્કીથી ફંડ આવ્યું હતું. યુવકોને તોફાન માટે તાલીમ અપાઈ છે.
સમગ્ર કેસની તપાસ દરમિયાન, એજન્સીને જાણવા મળ્યું કે આ આતંકવાદ ફેલાવવાનો નવો રસ્તો છે, બે મહિના પહેલા એટીબી સંગઠનના બે જાણીતા સભ્યો મુર્શિદાબાદ આવ્યા અને કહ્યું કે ત્યાં એક મોટી દાવત થશે. તેઓ ટ્રિગર પોઈન્ટની રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં રામ નવમીની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સુરક્ષાને કારણે આયોજન બદલાઈ ગયું અને વક્ફ બિલે ટ્રિગર પોઈન્ટ આપી દીધો. આ બારામાં ગૃહ મંત્રાલયને પણ પ્રાથમિક તપાસ રિપોર્ટ મોકલી દેવાયો છે .
હત્યાકાંડ આચરનાર બે મુસ્લિમ યુવકો પકડાયા
દરમિયાનમાં મૂરશીદાબાદમાં હિંસા આચરીને પિતા પુત્રની હત્યા કરનાર બે મુસ્લિમ યુવકોની ધરપકડ કરી લેવાઈ હતી. પોલીસે મીડિયાને એવી માહિતી આપી હતી કે કાલુ નદાબ અને દિલદાર નદાબ નામના શખ્સો પકડાયા છે અને એમની પૂછતાછ થઈ છે . બીજા પણ આરોપીઓના નામ મળી શકે છે. એક આરોપી બાંગ્લાદેશ સીમા પાસેથી અને બીજો વિરભૂમ પાસેથી પકડાયો હતો.
યોગીએ કહ્યું, લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે, દંડાથી જ ઉપચાર થઈ શકે
બંગાળમાં અનેક વિસ્તારોમાં ભારે હિંસા થઈ છે અને હજુ પણ સ્થિતિ ખરાબ છે ત્યારે આ બારામાં યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તોફાનીઓને ખુલ્લી છૂટ મળેલી છે. આ લોકો એમ કાબુમાં નહીં આવે. દંડાથી જ એમનો ઉપચાર થઈ શકે છે. એમણે એમ પણ કહ્યું હતું કે લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે. એક સપ્તાહથી બંગાળ સળગી રહ્યું છે પણ મમતા સરકાર તોફાનીઓને કાબુમાં લઈ શકી નથી. તોફાનીઓને મમતા શાંતિદૂત ગણાવી રહ્યા છે . જેને બાંગ્લાદેશ પસંદ હોય તેમણે ત્યાં ચાલ્યા જવું જોઈએ.