શું ગુજરાતનુ યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું ? દારૂની જેમ ડ્રગના પણ દરરોજ નોંધાય છે એકથી વધુ કેસ, વાંચો કેન્દ્ર સરકારનો રિપોર્ટ
ગુજરાતમાં દારુ મળવો એ બહુ મોટી વાત નથી ગણાતી પરંતુ હવે તો ડ્રગનું દુષણ પણ ઘર કરી ગયુ છે તેવું કેટલાક આંકડા ઉપરથી લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો: તો રાજ્યમાં રોજ સરેરાશ એક થી વધુ નશીલા દ્રવ્યોનો કેસ નોંધાયો છે. તાજેતરમાં રાજ્યસભામાં શક્તિસિહ ગોહિલે પુછેલા પ્રશ્ના જવાબમાં કેન્દ્ર સરકારે આ માહિતી આપી હતી.
વિવિધ ડ્રગ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ને રિપોર્ટ કરાયેલા કેસ અનુસાર, 2022, 2023 અને 2024માં અનુક્રમે 516, 604 અને 623 કેસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા મહિનામાં, ગુજરાતમાંથી NCB પાસે 79 માદક દ્રવ્યોના કેસ નોંધાયા હતા.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 2022, 2023 અને 2024માં માદક દ્રવ્યોના કેસોમાં 2555 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં, આવા કેસોમાં 101 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ડ્રગના દૂષણને કાબૂમાં લેવા માટે લેવામાં આવી રહેલા પગલાં અંગે ટિપ્પણી કરતાં, કેન્દ્ર સરકારે ઉલ્લેખ કર્યો હતો કેનાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ગુપ્ત માહિતી શેર કરવા અને સંયુક્ત કામગીરી હાથ ધરવા માટે પોલીસ અને કસ્ટમ્સ જેવી કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહી છે.
કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે વચ્ચે વધુ સારા સંકલન સુનિશ્ચિત કરવા માટે નવેમ્પ 2021 માં એક મલ્ટી-એજન્સી મેરીટાઇમ સિક્યુરિટી ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું. સરકારે ઉમેર્યું હતું કે કન્ટેનર સહિત તમામ માલસામાનનું યોગ્ય રીતે નિરીક્ષણ અને ક્લિયરન્સ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે બંદર સત્તાવાળાઓ દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે.
સૌથી વધુ હશીશ અને એમ્ફેટામાઈન પકડાયુ
2022થી 2024 દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ હશીશ અને એમ્ફેટામાઈન પકડાયુ છે. એમ્ફેટામાઈન 2022માં 223 કિલો પકડાયુ હત પણ 2024માં તે વધીને 808 કિલો થયુ હતુ. આ જ રીતે 2022માં હશીશ 933 કિલો પકડાયુ હતું પણ 2024માં 3716 કિલો પકડાયુ હતું. કોકેનની જપ્તી 2022 માં 53.97 કિલોથી ઘટીને 2024માં 13.19 કિલો અને હેરોઈનની જપ્તી 2022માં 741.59 કિલોથી ઘટીને 2024માં 90.14 કિલો પહોંચી હતી.