ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું: 8 ઓગસ્ટે રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈતની મોરબીમાં મહાસભા
ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવ્યા
મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર ખેતરમાં હાઈટેન્શન વીજલાઈનના ટાવર ઉભા કરી રહ્યા હોય જેની સામે ચાલી રહેલ ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ૮ ઓગસ્ટે રાષ્ટ્રીય કિસાન સંઘના નેતાઓ મોરબી ખાતે મહાસભા ગજવશે, બીજીબાજુ હળવદ અને મોરબી તાલુકાના ૪૦ ગામના લોકોએ આક્રોશ સાથે રેલી કાઢી ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર લગાવી દીધા છે.
મોરબીના જેતપર ગામેથી ખાનગી વીજ કંપની સામે શરૂ થયેલ ખેડૂત આંદોલન હવે સૌરાષ્ટ્રના અનેક જિલ્લા સુધી પહોંચી ગયું છે. ખેડૂતોના ઉપવાસ આંદોલન બાદ રાજ્ય સરકારે જમીનની બજાર કિંમતનું બમણું વળતર મંજૂર કર્યું હતું પરંતુ આ પરિપત્ર મંજૂર ન હોય જમીનની બજાર કિંમત કરતાં ચારગણા વળતરની માંગ સાથે ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યું છે.
વરસાદી સિઝનના કારણે એક મહિનો ખેડૂત આંદોલનને બ્રેક લગાવ્યા બાદ હવે ફરી ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે જેના ભાગરૂપે આગામી ૮ ઓગસ્ટે રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈત, મહાસચિવ યદુવીરસિંહ, ખેડૂત નેતા હિંમસિસંહ સહિનિ આગેવાનો મોરબીની મુલાકાતે આવશે.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધેર તંત્ર: થેલેસેમિયા બાળકોને લોહી, દવા, ઇન્જેક્શન મળતા નથી
રાષ્ટ્રીય કિસાન સંઘના નેતાઓ શનિવારે સાંજે સૌપ્રથમ જેતપર ખાતે સત્યાગ્રહ છાવણીની મુલાકાત લઈ ખેડૂત આંદોલન સમિતિ સાથે ચર્ચા કરશે ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે મોરબી-રવાપર રોડ, કેપિટલ માર્કેટ ચોકમાં ખેડૂતોની મહાસભા સંબોધશે.
બીજીબાજુ મોરબી જિલ્લાના ગામડાઓમાં હવે ખેડૂત આંદોલન ઉગ્ર બનતું જાય છે. ગઈકાલે હળવદ તાલુકા અને મોરબી તાલુકાના ૪૦ જેટલા ગામડાઓમાં ખેડૂતોની આક્રોશ રેલી નીકળી હતી અને ગામના ઝાંપે ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં નેકનામ, વાઘગઢ, ઘુનડા, બાંકડા, લજાઈ, જૂના દેવળિયા, ચકમપર, ભૂતકોટડા, નાના ખીજડિયા સહિતના ગામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જેતપર સત્યાગ્રહ છાવણીની આજે મોટાભેલા, લાલપર, નવા ઘાટોલા ગામના ૩૫૦થી વધુ ખેડૂતો અને મહિલાઓએ મુલાકાત લીધી હતી. આજે ૧૧ ખેડૂત ભાઈઓ અને ૯ મહિલાઓએ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.
