પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
અત્યારે ઇન્સ્ટા ખોલો ને એટલે જાતજાતના ફોટા સામે આવે! ક્યાંક બે હાથ પકડેલા હોય, ક્યાંક બે કપ ચા-કોફી પડ્યા હોય, ક્યાંક બે જોડી બૂટ દેખાતા હોય… પણ મોઢું એકેયનું નહીં દેખાય! આપણને થાય કે, “અલ્યા ભાઈ, આ તે વળી શું માંડ્યું છે?” પણ આ કોઈ ફોટો પાડવાની ભૂલ નથી, આ તો આજના જુવાનિયાઓની નવી ફેશન છે! આજકાલની આ પેઢીને Gen-Z કહે છે. એમને દુનિયાને એટલું તો કહેવું છે કે, “હા ભાઈ, અમે રિલેશનશિપમાં છીએ…” પણ કોની સાથે રિલેશનશિપમાં છીએ એ પૂછો તો બસ, ત્યાં મૌન!
પહેલાના જમાનામાં પ્રેમની વાતો છાની રાખવામાં આવતી હતી. કોઈને ખબર ન પડે એમ મળવું, વાત કરવી અને પ્રેમને દિલમાં રાખવો. પણ સમય બદલાયો, લોકો બદલાયા અને પ્રેમ કરવાની રીત પણ બદલાઈ ગઈ. આજના છોકરા-છોકરીઓ ઢોલ વગાડીને કહી દે કે, “હા, મારું કોઈ છે!” પણ એ કોઈ છે કોણ, એ દુનિયાને કહેવું નથી. આ આખા ખેલને Gen-Zની ભાષામાં “સોફ્ટ લોન્ચ” કહેવામાં આવે છે. એટલે કે વાત અડધી કહેવી અને અડધી છુપાવી રાખવી. સંબંધની ખબર પણ પડી જાય અને પાર્ટનર કોણ છે એનું સસ્પેન્સ પણ જળવાઈ રહે! પણ સવાલ એ છે કે આ નવો તુક્કો આવ્યો ક્યાંથી? આજના છોકરા-છોકરીઓ આવું કરે છે શા માટે? મોઢું બતાવ્યા વગર પ્રેમની જાહેરાત કરવાનો આ નવો ટ્રેન્ડ આખરે છે શું? હાલો, આખી વાત આપણી દેશી ભાષામાં સમજીએ!

પહેલાના જમાનામાં કોઈને પ્રેમ થયો હોય તો એ વાત કોઈને કહેતા પણ શરમાતા. પણ આજની Gen-Z પેઢી થોડી અલગ છે. આ લોકો પ્રેમની વાત છુપાવતા નથી, પણ આખી વાત પણ ખોલીને કહેતા નથી. સોશિયલ મીડિયામાં પોતાની લવ લાઈફની નાની-મોટી ઝલક બતાવતા રહે છે. ક્યારેક ફોટામાં પાર્ટનરનો હાથ દેખાડશે, ક્યારેક પાછળથી ફોટો મૂકશે, તો ક્યારેક ફક્ત બે લોકોના ફોટા કે વીડિયો મૂકી લોકોને ઈશારો કરી દેશે.
હવે આને જ Gen-Zની ભાષામાં “સોફ્ટ લોન્ચ” કહેવાય છે. એટલે કે, લોકોને ખબર પડી જાય કે ભાઈ કે બહેન પ્રેમમાં છે, પણ એ કોની સાથે પ્રેમમાં છે એ ખબર ન પડે! સીધી ભાષામાં કહીએ તો પ્રેમી છે એ બતાવવો, પણ પ્રેમી કોણ છે એ છુપાવવું. Gen-Zના પોતાના અલગ જ નિયમો છે. નોકરી હોય, મિત્રતા હોય કે પછી પ્રેમનો મામલો હોય, દરેક વસ્તુને પોતાના હિસાબે ચલાવે છે. પ્રેમમાં પણ એમનો આ જ કિસ્સો છે. એમને એવું જોઈએ કે આજુબાજુના લોકોને ખબર પડે કે “હા ભાઈ, મારું કોઈ છે”, પણ સાથે એ પણ નથી ઈચ્છતા કે લોકો તરત નામ અને ફોટો લઈને બેસી જાય.
આ પેઢી પ્રેમની વાત કરવામાં જરાય શરમાતી નથી. પણ પોતાના પાર્ટનરની ઓળખ છુપાવીને રાખે છે. એટલે સંબંધની વાત તો કરશે, સોશિયલ મીડિયામાં હિંટ પણ આપશે, પણ પાર્ટનરનો ચહેરો કે નામ બતાવશે નહીં. બસ, આ જ છે Gen-Zનો “સોફ્ટ લોન્ચ” કરવાનો અંદાજ.
“સોફ્ટ લોન્ચ” છે શું ??
હવે સોફ્ટ લોન્ચ એટલે એવું કે, પ્રેમી કે પ્રેમિકાનો ફોટો તો મૂકવાનો, પણ મોઢું નહીં દેખાડવાનું. એટલે લોકોને ઈશારો તો આપી દેવાનો કે “હા ભાઈ, મારું કોઈક છે”, પણ એ કોઈક કોણ છે એ સસ્પેન્સમાં રાખવાનું. આજકાલ Instagram પર સ્ટોરી મૂકશે, પણ તેમાં પાર્ટનરનો ફક્ત હાથ દેખાશે. ક્યારેક પાછળથી ફોટો હશે, ક્યારેક બંનેનાં કપડાંનો ફોટો હશે, તો ક્યારેક તો બંનેના પગમાં પહેરેલા બૂટ કે શૂઝનો ફોટો મૂકી દેશે. બસ, ફોલોઅર્સ સમજી જાય કે કંઈક તો રંધાઈ રહ્યું છે! પણ પાર્ટનરનો ચહેરો ક્યાંય જોવા નહીં મળે.

એટલે સીધી ભાષામાં કહીએ તો, “કહેવું પણ છે અને બતાવવું પણ નથી.” Gen-Z માટે સોફ્ટ લોન્ચ એટલે સંબંધની વાત પણ જાહેર કરવી અને સાથે પોતાની ખાનગી જિંદગી પણ પોતાની પાસે રાખવી. એમને એવું હોય કે લોકોને ખબર પડે કે જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી ગઈ છે, પણ એ વ્યક્તિ કોણ છે, ક્યાંની છે અને તેનો ચહેરો કેવો છે એ બધું દુનિયાને તરત જાણવાની જરૂર નથી. કેટલું બતાવવું અને કેટલું ખાનગી રાખવું એ Gen-Z પોતે નક્કી કરે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો Gen-Zનો નિયમ છે “હા ભાઈ, હું પ્રેમમાં છું… પણ કોના પ્રેમમાં છું એ તમારે જાણવાની જરૂર નથી!”
Gen-Z આ સોફ્ટ લોન્ચ કરે છે એ ફક્ત શરમના કારણે નથી. વાત થોડી ખાનગી રાખવાની પણ છે અને થોડી મજા-મસ્તી સાથે રહસ્ય જાળવવાની પણ છે. આજકાલ સોશિયલ મીડિયા પર એકવાર પાર્ટનરનો ફોટો મૂકી દીધો એટલે બસ, સવાલો શરૂ! “કોણ છે?”, “ક્યાં મળ્યા?”, “કેટલા સમયથી ચાલે છે?” જેવી કોમેન્ટો અને નકામી પંચાત પાછળ પડી જાય.
એટલે Gen-Z વાળા સીધો ચહેરો બતાવવાને બદલે હાથ પકડેલો ફોટો મૂકે, સાથે ચાલતા હોય તો ફક્ત પડછાયો દેખાડે, પાછળથી ફોટો પાડે કે પછી બે કોફીના કપનો ફોટો મૂકી દે. બસ, જેને સમજવું હોય એ સમજી જાય કે “કોઈ ખાસ તો છે” આ રીતે સંબંધની વાત પણ થઈ જાય અને પોતાની ખાનગી જિંદગી પણ ખાનગી રહે. એટલે આખી દુનિયા સામે પ્રેમનો ઢંઢેરો પીટવાનો નહીં, પણ હળવેથી ઈશારો કરી દેવાનો. સીધી ભાષામાં કહીએ તો “પ્રેમ છે એ કહીશું, પણ કોણ છે એ નહીં કહીએ” આ જ Gen-Zનો સોફ્ટ લોન્ચનો ખેલ છે.

પ્રેમની સાથે ફોટો પણ એવો હોવો જોઈએ કે જોનાર બે ઘડી અટકી જાય! Gen-Z માટે સોફ્ટ લોન્ચ એટલે ફક્ત સંબંધને ખાનગી રાખવાની રીત નથી, પણ Instagram પર ફોટો સુંદર અને અલગ દેખાય એની પણ એક સ્ટાઈલ છે. બે કોફીના કપ, એક જ પ્લેટમાં જમવાનું, સાથે ચાલતા બે હાથ કે પછી એકબીજાની બાજુમાં પડછાયો, આવા ફોટામાં પ્રેમ પણ દેખાય અને થોડું રહસ્ય પણ રહે છે. ક્યારેક તો ચહેરો ન દેખાડવાથી ફોટો વધારે મજેદાર અને રસપ્રદ લાગે છે. લોકોને ફોટો જોઈને તરત સવાલ થાય કે “આ કોણ છે?” અને બસ, અહીંથી જ આખો સોફ્ટ લોન્ચનો ખેલ શરૂ થાય છે. એટલે Gen-Z પ્રેમની વાત પણ કરે, ફોટો પણ સુંદર રાખે અને પાર્ટનર કોણ છે એ સસ્પેન્સ પણ જાળવી રાખે
આ પણ વાંચો : ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
જૂના જમાનામાં પણ લોકોને પ્રેમ થતો હતો, કોઈ ગમતું હતું, છાનામાના મળતા હતા અને વાત આગળ વધે એટલે સંબંધ પણ પાકો થતો હતો. પણ ત્યારે આ બધી વાતો માટે આજના જેવા અલગ-અલગ નામ નહોતા. લાગણીઓ તો ઘણી હતી, પ્રેમ પણ હતો, પણ એને શું કહેવું એ માટે આવા શબ્દો નહોતા.
હવે Gen-Zના જમાનામાં વાત થોડી અલગ છે. આ પેઢી પ્રેમ કરે છે, સંબંધ જીવે છે અને સાથે દરેક તબક્કાને કોઈને કોઈ નામ પણ આપી દે છે. સોફ્ટ લોન્ચ પણ એમાંથી જ એક છે. Gen-Z પ્રેમને છુપાવવાની કોશિશ નથી કરતી, પણ કેટલું બતાવવું અને કેટલું પોતાના સુધી રાખવું એ પોતે નક્કી કરવા માંગે છે. એટલે ક્યારેક હાથનો ફોટો, ક્યારેક બે કોફીના કપ, તો ક્યારેક સાથે ચાલતો પડછાયો જ પૂરતો હોય છે. સીધી ભાષામાં કહીએ તો આજની Gen-Z કહેવા માંગે છે હા ભાઈ, કોઈ ખાસ તો છે… પણ બાકીની વાત અમારી છે….
