AI એ Opendoorનાં 250 કર્મચારીઓની નોકરી છીનવી
યુએસની રિયલ એસ્ટેટ કંપનીએ ભારતમાં કામકાજ સમેટ્યું : ઓફિસને લાગ્યા તાળાં
અમેરિકાની રિયલ એસ્ટેટ ટેક્નોલોજી કંપની Opendoorએ ભારતમાં પોતાની કામગીરી સંપૂર્ણપણે સમેટવાનો નિર્ણય લેતા લગભગ 250 કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હવે તે પોતાના અમેરિકી ગ્રાહકોને વધુ નજીકથી સેવા આપવા માટે ઓપરેશનલ કામગીરી અમેરિકામાં જ કેન્દ્રિત કરશે. આ નિર્ણય સાથે કંપનીની ભારતીય ઓફિસને અસરકારક રીતે તાળાં લાગી ગયા છે.
કંપનીના CEO કાઝ નેજાટિયાને કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી કેટલીક જવાબદારીઓ અમેરિકામાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે કહ્યું કે અગાઉ ભારતમાં મોટી ટીમ વિવિધ સિસ્ટમો વચ્ચેના મેન્યુઅલ વર્કફ્લો અને બેક-એન્ડ પ્રક્રિયાઓ સંભાળતી હતી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનના વધતા ઉપયોગને કારણે હવે આવી કામગીરી માટે એટલા મોટા માનવબળની જરૂર રહી નથી.
આ પણ વાંચો: પોલીસ ઇન્સ્પેકટરથી લઈને કમિશનર સુધીના અધિકારીઓ રોજ બે કલાક નાગરિકોને સાંભળશે
નેજાટિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની ટીમના પ્રદર્શન અથવા કાર્યક્ષમતાને લઈને કોઈ પ્રશ્ન નથી. તેમણે ભારતીય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરતાં તેમને પ્રતિભાશાળી અને કુશળ વ્યાવસાયિકો ગણાવ્યા હતા. તેમ છતાં કંપનીના નવા ઓપરેશનલ મોડલમાં તેમની ભૂમિકા ઘટી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
AIના કારણે નોકરીઓ પર વધતું જોખમ
Opendoorનો નિર્ણય ફરી એકવાર દર્શાવે છે કે AI અને ઓટોમેશનના વધતા ઉપયોગથી ખાસ કરીને બેક-ઓફિસ, ડેટા પ્રોસેસિંગ અને ઓપરેશનલ સપોર્ટ જેવી નોકરીઓ જોખમમાં આવી રહી છે. કંપનીએ સીધો ઉલ્લેખ કર્યો છે કે AI-સક્ષમ ટીમો અને ટેક્નોલોજીમાં સુધારાને કારણે ભારતમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૂરિયાત ઘટી ગઈ છે.
