શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે : રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અર્પણ
એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતાં કહ્યું હતું કે શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતઅને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કર્યું હતું. તદુપરાંત, મુખ્યમંત્રી જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મેળવનારા ૧૦ લાભાર્થી વિદ્યાર્થીઓને પણ પ્રતીકાત્મકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી ‘આત્મનિર્ભર’ અને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે પ્રયત્નશીલ છે ત્યારે શિક્ષકો પણ શ્રેષ્ઠ માનવ નિર્માણના મિશનમાં લાગી જાય તો આપણે ‘વિશ્વગુરુ ભારત’ બનાવી શકીશું એમ કહીને રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે શિક્ષણની દિશા બદલવાના જે અભિયાનો વડાપ્રધાનના દિશાદર્શનમાં ચલાવ્યા છે, તેમાં કન્યા કેળવણી અભિયાન, શાળા પ્રવેશોત્સવ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, ટીચર્સ યુનિવર્સિટી વગેરેની સફળતામાં શિક્ષક સમુદાયના મહત્ત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું.
શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે સરસ્વતીના સાધક એવા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને આવકારતાં કહ્યું હતું કે શિક્ષક સમાજની શ્રેષ્ઠ મૂડી છે. જેમની યાદમાં સમગ્ર દેશ આજે શિક્ષક દિવસ ઉજવે છે તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં એક શિક્ષક જ હતા. શિક્ષકમાં શિક્ષણને ઉજાગર કરવાનું સામર્થ્ય હોય છે.
આજે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનારા રાજ્યસ્તરે ૨૮, જિલ્લા કક્ષાએ ૯૬ અને તાલુકા કક્ષાએ ૧૮૪ સહિત તમામ શિક્ષકો તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મેળવનારા ૧૦ લાભાર્થી વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રીએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે શિક્ષણ વિભાગ દ્વારા ‘વિકાસ ગાથા’ શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.