રશિયા- યુક્રેન યુધ્ધ સમાપ્ત થઈ જશે ? શું જાગી નવી આશા ? વાંચો
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ સમાપ્ત કરાવવા ભારત પહેલાથી જ જોર કરે છે અને વડાપ્રધાન મોદીએ બંને દેશોની યાત્રા કરીને વાતચીતથી સમસ્યા ઉકેલવાની અપીલ કર્યા બાદ હવે રશિયા કૂણું પડ્યું છે અને તેના પ્રમુખ પુતિને યુક્રેન સાથે શાંતિ વાટાઘાટ માટે તૈયારી દર્શાવી છે તેવા અહેવાલો ગુરુવારે બહાર આવ્યા હતા. રોઇટરે પણ આ અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા. યુધ્ધ સમાપ્ત થવાની એક આશા જાગી છે.
પુતિને કહ્યું છે કે ભારત આ યુધ્ધ અટકાવી શકે છે. જો કે એમણે એમ પણ કહ્યું છે કે ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થતા કરવાનું કામ કરી શકે છે. આ યુધ્ધ 2 વર્ષથી ચાલી રહ્યું છે અને બંને દેશોમાં હજારો મોત થઈ ચૂક્યા છે. અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ છે.
પુતિને ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે યુધ્ધના પ્રારંભિક સપ્તાહો દરમિયાન ઇસ્તંબુલમાં શાંતિ માટે બેઠક થઈ હતી જેમાં રૂસી અને યુક્રેનિ પ્રતિનિધિઓ વચ્ચે એક પ્રારંભિક સમજૂતી થઈ હતી પણ તેને લાગુ કરાઇ નથી. આ બેઠકની ચર્ચા હવે નવી બેઠક અને વાતચીતનો આધાર બની શકે છે.
પુતિનનું વલણ ક્લિયર
જો કે પુતિન હવે થાકી ગયા હોય તેવું લાગે છે અને શાંતિ માટે વાતચીત કરવા તૈયારી દર્શાવી છે પણ એમણે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને ભારત, ચીન તથા બ્રાઝિલની જ મધ્યસ્થતા સ્વીકારી છે તેવો ઈશારો પણ કરી દીધો છે. એનો અર્થ એ છે કે અમેરિકાની દરમિયાનગીરી તેને ક્યારે ય મંજૂર રહેશે નહીં. સાથોસાથ એ પણ મહત્વનું છે કે પુતિન પહેલી વાર જ શાંતિ માટે ચર્ચા કરવા તૈયાર થયા છે.
મોદીની અપીલની અસર ?
દરમિયાનમાં એમ પણ માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાથી જ યુધ્ધ સામે પોતાની અકળામણ દર્શાવી હતી અને કહ્યું હતું કે નિર્દોષ લોકો અને ખાસ કરીને બાળકોના મોત કાળજું કંપાવનારા છે માટે યુધ્ધ સમાપ્ત થવું જોઈએ. મોદીની શાંતિની અપીલ અસર કરી રહી હોવાનું પણ માનવામાં આવે છે. ટૂક સમયમાં આ દિશામાં કોઈ સારા સમાચાર પણ આવી શકે છે તેવી આશા હવે જાગી છે.