રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી રોડ-રસ્તાને 12 કરોડનું નુકશાન
ખેતીવાડી નુકશાનીની સર્વે કામગીરી ચારેક દિવસમાં પૂર્ણ કરાશે
રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે 11 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને અનેક પંચાયતી માર્ગોનું ધોવાણ થઇ જવા પામ્યું છે ત્યારે જિલ્લાના રોડ-રસ્તાઓને અંદાજે 12 કરોડ રૂપિયા જેટલું નુકશાન પહોંચ્યું હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. હાલમાં રોડ-રસ્તા રીપેરીંગ કામ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.
ગત અઠવાડિયે રાજકોટ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદને કારણે માર્ગ-મકાન વિભાગ સ્ટેટ વિભાગ હસ્તકના 11 માર્ગો પર પાણી ફરી વળતા તેમજ ઓવરટેપીંગના કારણે નુકશાન પામેલ હતાં જેના પરિણામે આ માર્ગો પર વાહન-વ્યવહાર પણ ખોરવાય જવા પામેલ હતો. આ માર્ગોમાં ઉપલેટા તાલુકા 5, જેતપુર તાલુકાના 3, પડધરી તાલુકાના 1 સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ 11 માર્ગોનું રીપેરીંગ કામ થતાં તેના પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરુ થઇ જવા પામલ છે.કુલ મળી રાજકોટ જિલ્લામાં 35 જેટલા રસ્તોને નુકશાન થતા અંદાજે 12 કરોડ રૂપિયા જેટલું નુકશાન થયું હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
બીજી તરફ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચવાની સાથે ઉપલેટા અને ધોરાજી તાલુકામાં ખેતીની જમીનનું મોટાપ્રમાણમાં ધોવાણ થયું હોવાથી હાલમાં જિલ્લા પંચાયત દ્વારા સર્વે ચાલી રહ્યો હોવાનું અને આગામી પાંચેક દિવસમાં સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ પાક અને જમીન નુકશાન મુદ્દે રાજ્ય સરકારમાં રીપોર્ટ કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.