૨૧મી સદીના ઇતિહાસમાં ભારતની સૌરક્રાંતિ સુવર્ણ અક્ષરે લખાશે: મોદી
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો પ્રારંભ
ગુજરાતની ધરતી શ્વેતક્રાંતિ, મધુક્રાંતિ બાદ હવે સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે
પીએમ સૂર્યઘર યોજનાથી ૨૦ લાખથી વધુ રોજગારી ઊભી થશે
ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જાના ભવિષ્ય, ટેક્નોલૉજી અને પોલિસીનિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે.
વડાપ્રધાનેએ જણાવ્યું હતું કે, દેશમાં ૬૦ વર્ષ પછી જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સોંપ્યું છે, એ જ દર્શાવે છે કે ૧૪૦ કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે. કેન્દ્ર સરકારના છેલ્લાં ૧૦ વર્ષના સુશાસનમાં દેશના યુવાનો-મહિલાઓની આકાંક્ષાઓને જે પાંખો મળી છે, તેને નવી દિશાની ઉડાન માટે પ્રેરક બળ મળી રહેશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત અને વંચિતોને ભરોસો છે કે તેમના ગરિમાપૂર્ણ જીવનનો પાયો બનશે.
વડાપ્રધાને ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે. ગુજરાતે જ દેશમાં સૌ પ્રથમ સોલાર પાવર પોલિસી બનાવવા અને ક્લાયમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે. આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે, જેમણે વર્ષો પહેલાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટયુક્ત જીવનનું ઉદાહરણ આપી, સમગ્ર વિશ્વનું ધ્યાન પર્યાવરણ રક્ષા તરફ દોર્યું હતું, જ્યારે દુનિયામાં કોઈ ક્લાયમેટ ચેન્જની ચર્ચા પણ નહોતું કરતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી ૫૦૦ ગીગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝીશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે. સોલાર રૂફટોપ માટેની “પી.એમ સૂર્ય ઘર” એક યુનિક યોજના છે, જે ગ્રીન ટ્રાન્ઝીશનને પૂર્ણ કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે.
તેમણે ઉમેર્યું કે, એક નાના પરિવારને મહિનામાં આશરે ૨૫૦ યુનિટ વીજ વપરાશ થાય છે, તેની સામે સોલાર રૂફટોપ ઈંસ્ટોલેશન થવાથી આ પરિવારો મહીને ૧૦૦ યુનિટ વીજળી ઉત્પાદિત કરીને પાવર ગ્રીડને આપીને વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ જેટલી બચત કરે છે. બચતના આ રૂ. ૨૫,૦૦૦ જો PPF એકાઉન્ટમાં જમા કરાવે તો, ૨૦ વર્ષ પછી આ રકમ આશરે ૧૦ થી ૧૨ લાખ જેટલી થશે, જે એક સામાન્ય પરિવારના બાળકોના ભણતર અને લગ્ન સહિતના પ્રસંગોમાં મદદરૂપ થશે.
૨૧મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિ સોનેરી અક્ષરે લખાશે, તેમ કહી વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના મોઢેરા ગામમાં પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે. આ ગામ આજે ભારતના પ્રથમ “સોલાર વિલેજ” તરીકે પ્રસ્થાપિત થયું છે. મોઢેરાની તમામ વીજ જરૂરિયાતો સોલાર વીજળીથી જ પૂર્ણ થઇ રહી છે. આગામી સમયમાં ભારતના આવા અનેક ગામોને સોલાર વિલેજ તરીકે વિકસાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગ્રીન ક્લીન એનર્જી – હરિત ઊર્જા માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલીસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલીસી સાથે ગ્રીન ફ્યુચર માટે પ્રતિબદ્ધ છે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન 54% છે અને સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન, ભારતમાં કુલ રિન્યુએબલ એનર્જી જનરેશનમાં ૮૬%નો વધારો થયો છે, એટલે કે રિન્યુએબલ એનર્જી જનરેશન ૧૯૩.૫૦ બિલિયન યુનિટથી વધીને ૩૬૦ બિલિયન યુનિટ થયું છે. વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની શરૂઆત કરી છે તેમજ વર્ષ- ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટેના લક્ષ્યાંકને વર્ષ ૨૦૨૧-૨૨માં જ હાંસલ કરવામાં આવ્યો છે.
આ સમિટમાં રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિવિધ દેશો અને રાજ્યોમાંથી પધારેલા ડેલિગેટ્સ તેમજ કેન્દ્ર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.