ડ્રાઇવરે દારૂનો ચિક્કાર નશો કરી બસ ચલાવી બાળકોના જીવ જોખમમાં મૂક્યા
રિબડાની સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલના
કોઠારીયા રોડ પર વિદ્યાર્થીઓને તેડવા આવ્યો ત્યારનો બનાવ : ભૂલકાઓને તમાકુ ખાવાની ઓફર કરતો’તો: વાલીઓએ રંગે હાથ પકડતા આજીડેમ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી
રાજકોટ ગોંડલ હાઈ-વે પર રીબડા નજીક આવેલા SGVP ગુરૂકુલના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી 19 જેટલા છાત્રોના જીવ જોખમમાં મુકાયાની ઘટના સામે આવી હતી. ગુરૂકુલનો ડ્રાઈવર કોઠારીયા વિસ્તારમાં વિદ્યાર્થીઓને તેડવા માટે ગયો ત્યારે ચીક્કાર નશાની હાલતમાં જોવા મળ્યો હતો.અને ‘તમાકુ ખાવી છે’ તેવી ભુલકાઓને ઓફર કરતો હતો.જેથી આ ઘટનાની જાણ વાલીઓને થતાં તેઓએ હોબાળો મચાવતા ગુરૂકુલના સંચાલકો અને આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
રીબડામાં સ્થિત SGVP ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓને રાજકોટ શહેરમાંથી લઈ જવા માટે કોઠારીયા વિસ્તારમાં બસનો ડ્રાઇવર હિતેન્દ્રસિંહ કિશોરસિંહ પરમાર(ઉ.વ.45,રહે.સંજયનગર શેરી નં-2,સંત કબીર રોડ) સ્કૂલ બસ લઈને આવ્યો હતો.અને આ ડ્રાઇવર સ્કૂલ બસમાં એક પછી એક વિદ્યાર્થીઓને બેસાડતો હતો. આ દરમિયાન કોઠારીયામાં જ સ્કૂલ બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન શરૂ કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીને સ્કૂલ બસમાં મુકવા આવેલા વાલીના ધ્યાને આવ્યું કે આ ડ્રાઇવર દારૂના ચિક્કાર નશામાં હતો.અને તેમની સાથે પણ ગેરવર્તન કરી રહ્યો હતો.ઉપરાંત વિદ્યાર્થીઓને તમાકુ ખાવાની ઓફર કરતો હતો. જેથી તેમને પોલીસને બોલાવી હતી અને સ્કૂલ સંચાલકોને પણ જાણ કરી હતી.
દરમિયાન ત્યાં હાજર અન્ય વાલીઓએ પણ રોષ ઠાલવ્યો હતો. બાદમાં પોલીસે આ ડ્રાઇવરની ધરપકડ કરી હતી.અને તેની સામે પીધેલાનો ગુનો નોંધ્યો હતો. બાદમાં સ્કૂલ સંચાલકોએ પણ ડ્રાઇવર સાથે નવી સ્કૂલ બસ મોકલી હતી. ઉલ્લેખનીય છે કે,ડ્રાઈવર હિતેન્દ્રસિંહ પરમાર પીધેલો પકડાતાં તેને હાલ સ્કૂલ તરફથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.