“મને ધમકાવીને નામ અપાવ્યા હતા” રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાએ મોં ખોલ્યું
રીબડાના અમિત ખૂંટે રાજકોટમાં કારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાના બનાવની ફરિયાદી અને અમિત ખૂંટના જ આપઘાત કેસની આરોપી સગીરાએ આજે રાજકોટમાં કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે. સગીરાએ મીડિયા સમક્ષ આપેલા સ્ટેટમેન્ટમાં તેણીને આપઘાત કેસ સમયે આરોપી હતી ત્યારે જયરાજસિંહના માણસો દ્વારા ધાકધમકી આપીને તે જેને ઓળખતી નથી તેવા સાત વ્યક્તિના નામ પોલીસ સમક્ષ આપવા દબાણ કર્યું હતું અને નામો અપાવ્યા હતા. પોલીસે સ્ટેટમેન્ટમાં સહીઓ કરાવી લીધી હતી. ગોંડલ પોલીસના અધિકારીઓ સામે પણ સગીરાએ આક્ષેપો કર્યા છે.

અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી બનેલી હાલ જામીનમુક્ત સગીરાએ આજે મીડિયા સમક્ષ કથન કર્યું હતું કે મને આરોપી બનાવી મારા પિતાને દબાવવામાં આવ્યા કે અમે કહીએ તેના નામ આપી દે, અમે મુક્ત કરાવી દેશું, જામીન અપાવશું. સાક્ષી બનવાનું કહ્યું. શ્રી હોટેલમાં લઇ ગયા હતા ત્યારે જયરાજસિંહના માણસો ગાડીમાં આવ્યા હતા. ધમકાવીને કહેવા લાગ્યા મારી સખી ઉપરાંત બીજા છ નામ કે જેને ઓળખતી ન હતી. અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, દિનેશભાઈ, સંજયભાઇના નામો આપ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોએ લગાવ્યો પાણીનો પોકાર: અડધો દિવસ ‘પાણી’ ન આવ્યું..!!
પોલીસ સ્ટેશનમાં લઇ જવાઇ હતી ત્યાં પોલીસે તૈયાર કરેલા સ્ટેટમેન્ટમાં સહી કરાવી લીધી હતી. પોલીસ મથકમાં બે પોલીસ અધિકારી કે.જી. ઝાલા તથા એ.ડી. પરમારે કહ્યું કે તારે આ નામ આપવાના છે, તને કોઈ કાંઈ નહીં કહે. કોઈ હેરાન કરે, ધમકી આપે તો અહીં અરજી કરજે.
જયરાજસિંહના માણસોએ કહ્યું હતું કે તું આટલું કહી દે, આટલું ખોટું બોલવામાં શું વાંધો? નહીં તો તારા અને તારા ઘર પર જોખમ છે, તેને નહીં છોડીએ, જાનથી મારી નાખીશું. મને ખોટું બોલવા મજબૂર કરતા હતા. મારા ગામ સુધી પહોંચી ગયા હતા. મારા પપ્પાને જીવવા દે એમ નથી. મારી મોંગ છે મને ન્યાય અપાવો. સગીરાએ કહ્યું કે અમિતે મારી ઉપર બળાત્કાર કર્યો છે. સગીરાએ મીડિયા સમક્ષ ઉપરોક્ત આક્ષેપો કર્યા હતા અને કોર્ટમાં નિવેદન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

એડવોકેટ ભૂમિકા પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે. સગીરા પાસે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવાયા છે. પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે.સગીરાએ આવા નિવેદન નથી આપ્યા. ધમકાવવામાં આવી કે જયરાજસિંહ બાપુ કહે એ મુજબ નિવેદન આપી દે. સગીરા સાથે સહ આરોપી પૂજા દ્વારા પણ કોટમાં ફરિયાદ અપાઇ છે. સગીરાએ પોલીસ અધિકારીઓ મળી ૨૨થી વધુ પોલીસના નામો આપ્યા છે. તેમના વિરુદ્ધધ આક્ષેપો કર્યા છે. તેના માટે અલગથી ફરિયાદ દાખલ કરીશું તેવું કથન પણ મહિલા એડવોકેટ દ્વારા કરાયું હતું.