રાજકોટમાં પોલીસ જ અસલામત!? બુટલેગર ગેંગે પોલીસ સાથે ઝપાઝપી કરી સરાજાહેર મચાવી ધમાલ, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેરમાં બુટલેગરો, લુખ્ખાઓ બેફામ કે બેખૌફ છે. પોલીસ ખુદ જ અસલામત હોય તેમ ગઈકાલે પીધેલાને પકડીને જતાં પોલીસ કર્મીની કારને બુટલેગર તથા તેના સાગરીતોએ કારને આંતરીને ગાળાગાળી, ઝપાઝપી કરીને સરાજાહેર ધમાલ મચાવ્યાનો બનાવ તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. આબરૂ જતાં ફટાફટ પોલીસે કુખ્યાત બુટલેગર સહિતના શખસોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ગોંડલ રોડ પર વાવડી ગામ નજીક તાલુકા પોલીસનો સ્ટાફ, હોમગાર્ડ જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાન રાત્રે એકાદ વાગ્યે G.J.03-A.J.9085નંબરના ટૂ-વ્હિલર પર બે શખસો હાલક-ડોલક હાલતમાં નીકળતાં કોન્સ્ટેબલ મયુરસિંહ ડી. જાડેજા, કલ્પેશભાઈ શેખ, હોમગાર્ડ ઈરશાદ શમા તથા વિજય ડાઈમે અટકાવ્યા હતા. ટૂ-વ્હિલર સવાર બન્ને શખસો બાસીત અશરફ મોરવાડિયા તથા કટી કેશુભાઈ બગડા બન્ને પીધેલી હાલતમાં હતા જેથી બન્નેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસમેન મયુરસિંહે બન્નેને કારમાં બેસાડયા હતા સાથે હોમગાર્ડને પણ લીધો હતો.
એ દરમિયાન રસ્તામાં બે ટૂ-વ્હિલર પર બુટલેગર ભરત વારસુર અને અન્ય શખસો મોહિત ડાંગર, ગડો સહિત પાંચ ઈસમો ઘસી આવ્યા હતા. કાર આડે બન્ને ટૂ-વ્હિલર નાખી કારને આંતરી હતી. ભરત વારસુર કાર પાસે આવી દરવાજો ખોલાવી બોલવા લાગ્યો કે, ‘મારા માણસોને ક્યાં લઈ જાય છે, મને ઓળખેશ હું ભરત વારસુર, હું હજુ જેલમાંથી છૂટ્યો જ છું, આ લોકોને જવા દે નહીંતર તું ખોવાઈ જઈશ, ગોત્યા નહીં જડે’ કહીં ગાળાગાળી કરીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. અન્ય એક શખસ કારની ચાવી ખેંચવા લાગ્યો હતો. બીજા બે શખસો કારનો દરવાજો ખોલાવી બન્ને સાગરીતોને લઈ જવા દરવાજો ખેંચવા લાગ્યા હતા.
માથાકૂટ થયાની જાણ થતાં કોન્સ્ટેબલ કલ્પેશભાઈ શેખ તથા હોમગાર્ડ પણ પહોંચી જતાં બુટલેગર અને તેના સાગરીતો ભાગવા લાગ્યા હતા. જો કે પોલીસે પાંચ પૈકી બે શખસોને દબોચી લીધા હતા. પીસીઆર, મોબાઈલ પણ આવી પહોંચી હતી. ઝડપાયેલા અન્ય બે ઈસમો આંબેડકરનગરમાં રહેતા સરધાર ગામના નિલેશ ચંદુભાઈ મકવાણા તથા ડ્રાઈવિંગ કામ કરતાં મૌહિત જેંતીભાઈ ડાંગર (ઉ.વ.30)ને ઝડપી લીધા હતા. ચારેય શખસોને તાલુકા પોલીસ મથકે લવાયા હતા.
ભરત વારસુર તેમજ તેની સાથે રહેલા શખસો સામે પોલીસમેન મયુરસિંહ જાડેજાએ મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કર્યા સહિતના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા શખસોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. જો આવી રીતે પોલીસ પર પણ ઘેરી લઈ, આંતરીને હુમલા થાય તો શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે? બુટલેગરોને પોલીસનો કોઈ ખૌફ જ નહીં હોય અથવા તો બુટલેગરોને છાવરવામાં કોઈને કોઈ પોલીસકર્મીઓ, વહીવટદારો હશે ? કે જેથી બુટલેગરો પોલીસ પર હુમલો કરતાં પણ ખચકાતા નહીં હોય ? આવો આંતરિક ગણગણાટ પોલીસ વર્તુળોમાં હશે.