અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં વિશાળ રેલી : સ્યુસાઇડ નોટનું FSL પરીક્ષણ કરાવવા માંગ
ગોંડલ તાલુકાના રીબડા ગામના યુવાન વિરુદ્ધ દુષ્કર્મ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ આ યુવાને આત્મહત્યા કરી લેવા પ્રકરણમાં રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધવાના વિરોધમાં બુધવારે રાજકોટમાં વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સૌ પ્રથમ મૃતકની સ્યુસાઇડ નોટનું પરીક્ષણ કરાવી ન્યાયિક તપાસની માંગણી કરવામાં આવી હતી. સાથે જ આવેદનપત્રમાં ગોંડલના માજી ધારાસભ્યના ઈશારે પોલીસે ખોટી રીતે ગુન્હો નોંધ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.અનિરુદ્ધસિંહના સમર્થમાં યોજાયેલ રેલીમાં રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ સાધુ-સંતો સહિત 2થી 3 હજાર લોકો જોડાયા હતા.
રીબડાના વતની અમિત ખૂંટ નામના યુવાનને આત્મહત્યા કરી લેવાના ચકચારી બનાવમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદિપસિંહ જાડેજા વિરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદના વિરોધમાં બુધવારે રાજકોટમાં રીબડા ઉપરાંત આજુબાજુના ગામના અંદાજે બેથી ત્રણ હજાર લોકોએ વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપાત્રમાં જણાવાયુ હતું કે, રીબડા ગામના રહીશ અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા પ્રતિષ્ઠિત નાગરીક છે અને સામાજીક તેમજ રાજકીય નામના ધરાવતા હોય તેમના વિરોધી ગોંડલનાં માજી ધારાસભ્ય જયરાજસિંહ તેમજ તેમનો પુત્ર ગણેશ ઉર્ફે જયોતિરાદિત્ય અને રાજકોટના રહેવાસી ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા વિગેરેનાઓએ જુની અદાવતનાં કારણે આ ગુન્હો નોંધવા પોલીસ પર દબાણ લાવેલ હોવાથી વિના તપાસે પોલીસ પ્રથમ તબકકે ગુનો નોંધ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
વધુમાં મૃતક અમિતભાઈ દામજીભાઈ ખુંટ વિરૂધ્ધ રાજકોટ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવા મામલે મેડિકલ તપાસ બાદ ગુનો રજીસ્ટર કરાયેલ હોવા છતાં પોતાની મૃતકની કહેવાતી સ્યુસાઇડ નોટમાં મનસ્વી રીતે રીબડાનાં પિતા- પુત્રએ મરવા મજબુર કરેલ હોવાના ખોટા આક્ષેપ કર્યા હોવાનું અને આ તમામ આક્ષેપો ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહના ઈશારે કરવામાં આવ્યા હોય આ કેસમાં મૃતોની સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી તપાસ કરવા માંગણી કરી હતી. વધુમાં જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે રાજકુમાર રતનલાલ જાટના મૃત્યુ કેસનો મુદ્દો પણ રજૂ કરી જયરાજસિંહના બંગલામાં રાજકુમાર જાટ અને તેના પિતાને માર મારવાના ગુનામાં આ પોલીસ આજદીન સુધી જયરાજસિંહની દબંગાઈના કારણે ગુનો નોંધી શકેલ ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઉપરાંત રજુઆતમાં ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશે જુનાગઢના સંજય સોલંકી નામના વ્યકિતનું અપહરણ કરી માર મારવા પ્રશ્ને સવાલો ઉઠાવી તાજેતરમાં પાટીદાર સમાજના આગેવાનોની ગાડીઓમાં પણ તોડફોડ કરવા પ્રકરણમાં પણ પિતાપુત્ર વિરુદ્ધ આરોપો લગાવવામાં આવ્યા હતા.આવેદનપત્ર આપતી વેળાએ અનિરૂધ્ધસિંહના ભાઇ રાજેન્દ્રસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણી પી. ટી. જાડેજા, મનોજ ખુંટ, રાજભા જેઠવા, હસુબાપુ, શામળદાસબાપુ, શશીકાંત રૈયાણી, જયમીન ભટ્ટ, અજયસિંહ જાડેજા, ત્રીલોકબાપુ,અલીબાપુ માઢકીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.