‘જુગાર મેં ચિટિંગ કૈસે કરે’: YOUTUBE પર સર્ચ કર્યું’ને…જુગારમાં માથું ભમી જાય તેવી બેઈમાની,ગુનો કઇ રીતે દાખલ કરવો? પોલીસ ગોટાળે ચડી
સાતમ-આઠમનો તહેવાર નજીક આવી ચૂક્યો છે ત્યારે આ પર્વમાં જુગાર રમવાની વણલખાયેલી પરંપરાનું વર્ષોથી પાલન કરાઈ રહ્યું છે. પોલીસની બાજનજર છતાં આજની તારીખે ઠેર-ઠેર ઘર, ઓફિસ, ફાર્મહાઉસ, કારખાના સહિતના સ્થળે જુગારના પાટલાં મંડાયેલા જ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સામાન્ય રીતે તીનપત્તી સહિતના જુગારમાં ક્યારેય બેઈમાની મતલબ કે પત્તા સાથે કોઈ પ્રકારના ચેડાં કરવામાં આવતા નથી પરંતુ ટેક્નોલોજીના આ આધુનિક જમાનામાં હવે પત્તામાં પણ છેડછાડ કરી પોતાની જીત ‘સ્યોર’ કરવા માટે જુગારીઓ હાઈટેક બની ગયા છે ત્યારે માથું ભમી જાય તેવી બેઈમાનીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે કરી એક શખસને સકંજામાં લીધો છે.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા ઉપરાંત ચેતનસિંહ ગોહિલ, ઉમેશ ચાવડા, દીપક ડાંગર સહિતની ટીમે પુનિતનગર વાવડી ખાતે રાધેશ્યામ ગૌશાળાની બાજુમાં આવેલા આકાર હાઈટસ નામના એપાર્ટમેન્ટમાં ‘આઈ’ વિંગમાંથી જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપત્તાના 4260 નંગ પાના, આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ ૭૫ નંગ તેમજ સેન્સરયુક્ત એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ચાર નંગ મળી કુલ રૂા.2.70 લાખના મુદ્દામાલ સાથે વિપુલ રમેશભાઈ પટેલ (ઉ.વ.39)ની અટકાયત કરી હતી.

વિપુલની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત આપી હતી કે કબજે કરાયેલા ગંજીપાનાના સેટમાં તે કેમિકલ ભેળવી દીતો હતો. આ ઉપરાંત આંખમાં પહેરવાના સોફ્ટ કોન્ટેક્સ લેન્સ કોઈ જુગારી પહેરી લ્યે તો તેને હરિફ જુગારી પાસે કયા પાના છે તેને આરપાર જોઈ શકતો હતો. આ ઉપરાંત સેન્સરયુક્ત એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની કિટમાં રહેલો મોબાઈલ ફોન સેન્સર વડે ગંજીપતાના તમામ પાના સ્કેન કરી જુગાર રમતી વખતે બાટવામાં આવેલી તમામ બાજીમાંથી કઈ બાજી મોટી છે તેનો નંબર મોબાઈલની સ્ક્રીન તેમજ બ્લુટુથ સ્પીકરમાં દર્શાવી દેતી હતી. એકંદરે આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાથી પત્તા બાટતા પહેલા જ કોની બાટ એટલે કે બાજી ભારે છે તેની ખબર પડી જતી હોય છે !! વિપુલે આ પ્રકારની કિટનું વેચાણ રાજકોટ ઉપરાંત અમદાવાદ, મહેસાણા, મોરબી સહિતના સ્થળે કર્યું હોવાનું સામે આવ્યું છે.
‘જુગાર મેં ચિટિંગ કૈસે કરે’: યુ-ટયુબ પર સર્ચ કર્યું ને મળ્યો રસ્તો…!
વિપુલ પટેલ પોતે પણ જુગારનો અઠંગ ખેલાડી હોય તેને આ રમતમાં ‘રમત’ કરવાની કબુદ્ધિ સુઝી હતી. અત્યારે કોઈ પણ માહિતી જોઈતી હોય એટલે હાથવગું હથિયાર ગૂગલ અને યુ-ટ્યુબ હોય વિપુલે યુ-ટ્યુબ ઉપર ‘જુગાર મેં ચિટિંગ કેસે કરે’ તેવું લખાણ લખતા તેને ‘રસ્તો’ મળી ગયો હતો. એક વીડિયો જેમાં આ પ્રકારે આધુનિક સાધનોનો ઉપયોગ કર્યા બાદ અન્ય ખેલાડીઓની બાટ જાણી શકાય તેમ હોવાનું લાગતા સૌથી પહેલા તેણે નાના પાયે આ પ્રકારે પ્રયોગ શરૂ કર્યો હતો જેમાં સફળ થતા દિલ્હીથી બધો સામાન મગાવી રાજકોટ સહિત અન્ય સ્થળે સપ્લાય કરવા લાગ્યો હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. આ કિટ તે 50 થી 60 હજાર રૂપિયામાં વેચતો હતો.
આ રીતે થાય છે ચીટિંગ
આ વસ્તુઓનો થતો ઉપયોગ
- ખાસ કેમિકલ લગાવેલા પત્તા
- મોબાઈલ જેવી ડિવાઈસ
- રિમોટ કંટ્રોલ
- મખ્ખી બ્લૂટૂથ
જુગાર રમતી વખતે કઈ રીતે ચીટિંગ થતી હતી તેનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદાફાશ કરવામાં આવ્યો છે ત્યારે ચાલો જાણીયે સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે લોકોને છેતરવામાં આવતા હતા.
• સ્ટેપ-1: કેમિકલયુક્ત કેટ અને ખાસ ડિવાઈસને કનેક્ટ કરવામાં આવે છે
• સ્ટેપ-2: રિમોટથી કેટલી બાજી પડશે તેનો કમાન્ડ આપવામાં આવે છે
• સ્ટેપ-3: પત્તા વહેંચાઈ ગયા પછી કઈ બાજી જીતશે તેનું ડિવાઈઝ રિડિંગ કરી લેશે
• સ્ટેપ-4: ડિવાઈઝ બ્લૂટૂથ પડેરેલી વ્યક્તિને કયા નંબરની બાજી જીતશે
• સ્ટેપ-5. તેનો વોઈસ મેસેજ આપશે
ગુનો કઇ રીતે દાખલ કરવો? પોલીસ પણ ગોટાળે ચડી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિપુલ પટેલની અટકાયત કરી તેની પાસેથી જુગારમાં છેતરપિંડી કરવાના સાધનો તો કબજે કર્યા છે પરંતુ તેની સામે ગુનો કઈ કલમ હેઠળ દાખલ કરવો તેને લઈને ગોટાળે ચડી છે. ગુનો દાખલ કરવા માટે જુગારનું ફિલ્ડ મતલબ કે જુગાર રમવા જુગારીઓ બેઠા હોય તે જરૂરી બની જાય છે પરંતુ અહીં કોઈ પ્રકારનો જુગાર રમાઈ રહ્યો ન્હોતો. આ ઉપરાંત તેના કબજામાંથી ગંજીપાના મળી આવ્યા છે પરંતુ ગંજીપાના રાખવા એ કોઈ ગુનો બનતો નથી. આ સિવાય તેની પાસેથી લેન્સ, એન્ડ્રોઈડ મોબાઈલ મળ્યા છે જે પણ કાયદેસર હોય હાલ તો પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ સામે આવીને કહે કે વિપુલે તેની સાથે ચીટિંગ કર્યું છે તો ગુનો દાખલ કરી શકાય પરંતુ જુગારની બાબતમાં કોઈ સામે આવીને બોલવાની હિંમત કરે તેવું બનતું હોતું નથી.
