હાઈકોર્ટની ‘ફટકાર’ બાદ રાજકોટ સહિતના શહેરોની ટ્રાફિક સમસ્યા ઉકેલવા 5-E’ મંત્ર આપતી સરકાર !
શહેરના કયા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા શા માટે સર્જાઈ રહી છે, ઉકેલ માટે શું કરી શકાય ? તે સહિતના મુદ્દે ડીસીપી-ડે.મ્યુ.કમિશનર દર પંદર દિવસે બેઠક કરશે
મ્યુનિસિપલ-પોલીસ કમિશનર વચ્ચે દર મહિને બેઠક મળશે
ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે હાઈકોર્ટ દ્વારા મહાપાલિકા અને પોલીસ તંત્રને વારંવાર ટકોર કરવા છતાં કોઈ જ પ્રકારનો સુધારો થઈ રહ્યો ન હોય તાજેતરમાં જ કોર્ટે આકરું વલણ અખત્યાર થતાં જ આ સમસ્યાના ઉકેલવા માટે તંત્ર એક્શનમાં આવી ગયું છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં મુસ્તાક હુસેન કાદરી વિરુદ્ધ ગુજરાત સરકાર અને મુસ્તાક હુસેન કાદરી વિરુદ્ધ જે.એન.સિંઘમાં તા.૨૯-૮-૨૦૨૪ના રોજ આપેલા ચુકાદા અન્વયે વધતી જતી વસતી અથવા વધતા જતા વાહનોના લીધે ઉપસ્થિત થતા ટ્રાફિક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યત્વે ૫-ઈ મતલબ કે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઈવેલ્યુએશન અગત્યના છે. આ માટે મહાપાલિકા વિસ્તારોમાં પોલીસ અને મનપાના અધિકારીઓ વચ્ચે સંકલન રહે તે અત્યંત જરૂરી હોવાથી તે માટે અમુક સુચના આપવામાં આવી છે.
રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ટ્રાફિકના નિરાકરણ ૫-ઈ મુજબ આવે અને ટ્રાફિક પ્રશ્નોના રિવ્યુ, તેના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના નિવારણ સાથે થાય તે હેતુથી ચારેય મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની સંયુક્ત અધ્યક્ષતામાં તેમના વિસ્તારના ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે માસિક રિવ્યુ મિટિંગ કરવાની રહેશે. આ ઉપરાંત પોલીસ-મનપાના અધિકારીઓને જરૂર જણાય તો સિટી ઈજનેરની મદદ પણ લઈ શકશે. ખાસ કરીને ટ્રાફિક સમસ્યા, અકસ્માતો તેમજ રખડતાં ઢોરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રણનીતિ ઘડવાની રહેશે અને તેની સમીક્ષા કરવાની રહેશષ. આ અંગેનો રિપોર્ટ ગૃહ તેમજ શહેરી વિકાસ વિભાગને મોકલવાનો રહેશે.
જ્યારે ડીસીપી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પ્રકારની સમીક્ષા બેઠક દર પંદર દિવસે યોજીને તેમાં કરેલી કાર્યવાહીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને સોંપવાનો રહેશે. આ રિપોર્ટના આધારે મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર વચ્ચે દર મહિને બેઠક થશે અને તે પ્રમાણે આગળ નિર્ણય લેવાશે.