બૂટલેગરોએ મનપાની બે કરોડની જમીન પર ખડક્યા હતા મકાનો !
અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં દેશી દારૂના હાટડા પર જનતા રેડ બાદ હવે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા
પૂર્વ ધારાસભ્ય વિરોધ કરવા પહોંચતાં ચાર કલાક સુધી બૂલડોઝર ઠેરના ઠેર પડ્યા રહ્યા, આખરે તેમની અટકાયત કરાતાં ડિમોલિશન શરૂ થયું
મહાપાલિકાએ જાણીજોઈને ગરીબોના મકાન તોડી પાડ્યાના રહેવાસીઓના આક્ષેપ: અનેક સ્થળ પર જ રડી પડ્યા
રાજકોટમાં આમ તો લગભગ દરેક વિસ્તારોમાં દેશી દારૂના હાટડાં ધમધમી રહ્યા છે. જો કે આ દૂષણ સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે પરંતુ તે દૂર થવાનું નામ લઈ રહ્યું નથી. આખરે કંટાળીને હવે લોકો જ જનતા રેડ પાડી રહ્યા છે. આવી જ એક રેડ ગત ૨૧ ઑગસ્ટે શહેરના વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં કરવામાં આવ્યા બાદ અહીં દેશી દારૂનું વેચાણ જ્યાંથી થઈ રહ્યું હતું તે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને બનાવાયેલા મકાનમાંથી થઈ રહ્યું હોવાનું ધ્યાન પર આવતાં જ મહાપાલિકાએ તમામ મકાનોનો કડૂસલો બોલાવી દઈ બે કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
બુધવારે સવારે ૮:૪૫ વાગ્યા આસપાસ જ મહાપાલિકાનો કાફલો બૂલડોઝર સાથે ટીપી સ્કીમ નં.૨૬, મવડી (પ્રારંભિક) શ્રીનાથજી પાર્ક વિસ્તારમાં પહોંચી ગયો હતો. જો કે આ સમયે સ્ટાફ સાથે ઓછો બંદોબસ્ત હોવાથી તેમને ઘેરાવ પણ કરી લેવાયો હતો. આ જ સમયે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર સહિતના ધસી ગયા હતા અને મહાપાલિકાના સ્ટાફ સાથે ઉગ્ર રકઝક શરૂ થતાં મામલો ગરમાયો હતો. એક સમયે મહાપાલિકાએ બૂલડોઝર શરૂ કરતા લોકો આડા સૂઈ ગયા હતા.
સિદ્ધાર્થ પરમાર દ્વારા રોષપૂર્વક જણાવાયું હતું કે જે મકાનો તોડવા મહાપાલિકાનો સ્ટાફ આવ્યો છે તે કાયદેસર છે. જો અહીંથી દારૂનું વેચાણ થતું હોય તો દારૂ વેચનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરાવવી જોઈએ. આ રીતે મકાન તોડવા વ્યાજબી નથી. એકંદરે મામલો વધુને વધુ ઉગ્ર બનતો જતા સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરી લેવાઈ હતી સાથે સાથે વધારાનો વિજિલન્સ સ્ટાફ તેમજ તાલુકા પોલીસ મથકના સ્ટાફને સ્થળ પર દોડાવાયો હતો અને તેમની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું જે ૨ વાગ્યા આસપાસ પૂર્ણ થવા પામ્યું હતું.
બીજી બાજુ ડિમોલિશન કાર્યવાહી અંગે લતાવાસીઓએ જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા રાગદ્વેષ રાખીને અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે જેથી અમે બેઘર થઈ જઈએ. આ વેળાએ અનેક મહિલાઓ રડી પણ પડી હતી !