વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ : અંતે PGVCLના 29 વિદ્યુત સહાયકને નોકરીમાંથી કાઢી મૂકાયા
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં વર્ષ 2021માં વિદ્યુત સહાયકની ભરતીમાં થયેલી ગોલમાલ પ્રકરણમાં તપાસ બાદ 29 જુનિયર આસિસ્ટન્ટને ઘરભેગા કરવા પીજીવીસીએલની વડી કચેરીએ આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સેન્ટર ઉપર લેવાયેલ વિદ્યુત સહાયકની પરીક્ષામાં કૌભાંડ થયાની ફરિયાદ બાદ આ તમામ જુનિયર આસિસ્ટન્ટને ફરજમોકુફ કરી તમામ સામે ચાર્જશીટ મુકવામાં આવ્યા હતા જેમાં તપાસના અંતે તમામને હવે રુખસદ આપી કાયમી ધોરણે ઘરભેગા કરાયા છે.
વીજ કચેરીના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વર્ષ 2021માં સકસેસ ઈન્ફોટેક નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયામાં 400 જેટલા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સેન્ટર ખાતે લેવામાં આવેલ રાજયકક્ષાની આ પરીક્ષામાં ગેરરીતિ થયાની ફરિયાદ સુરત કાઈમ બ્રાંચમાં કરવામાં આવી હતી. સુરત પોલીસે જે તે વખતે પરીક્ષા કેન્દ્રના સંચાલક, કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ, એજન્ટ સહિત 12 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પીજીવીસીએલમાં નોકરી મેળવવાની લાલચ આપી ભરતીમાં ઉમેદવારો પાસેથી દસથી પંદર લાખનો વહીવટ કરવામાં આવ્યો હોવાના આરોપ વચ્ચે સુરત પોલીસે વ્યક્ત કરી કેટલાક શંકાસ્પદ કર્મચારીઓનું લીસ્ટ પીજીવીસીએલને સોંપવામાં આવ્યું હતું. બાદમાં સમગ્ર મામલે પીજીવીસીએલ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવતા લાંચ આપી આવા 29 જેટલા જુનિયર આસિસ્ટન્ટને નિમણૂંક અપાઈ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આક્ષેપિત જુનિયર આસિસ્ટન્ટને તાકીદની અસરથી છૂટ્ટા કરવા આવ્યા હતા અને તમામ કર્મચારીઓ સામે તહોમતનામુ દાખલ કરી તપાસને અંતે આ તમામ વિદ્યુત સહાયકોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.