રાજકોટ : ‘રૂડા’માં રાતોરાત 24 ગામ કોણે ઉમેરી દીધા ? ‘કારીગર’ને શોધવા તપાસ શરૂ
સોશિયલ મીડિયા પર પ્રસારિત થતું બધું જ સાચું નથી હોતું…આ વાત એક નહીં બલ્કે અનેક વખત અલગ-અલગ રીતે સાબિત થઈ ચૂકી છે આમ છતાં ખોટી વસ્તુને પણ સાચી કેવી રીતે દર્શાવવી તે ‘કળા’માં અનેક કારીગરો માહેર હોય લોકો તેના સાણસામાં ફસાયા વગર રહેતાં નથી. આવું જ કંઈક રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) સાથે બનવા પામ્યું છે. ચારેક દિવસ પહેલાં વૉટસએપ ઉપર ‘રૂડા’નો એક નકશો વાયરલ થયો હતો જેમાં 48 ની જગ્યાએ 72 ગામ બતાવાયા હતા. સરકાર દ્વારા એક પણ ગામનો ઉમેરો કરવામાં આવ્યો નથી ત્યારે રાતોરાત 24 ગામ ઉમેરી કોણે દીધાં તે જાણવા માટે રૂડાએ હવે પોલીસનું શરણું લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે રૂડાના સીઈએ ગૌતમ મીયાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા રૂડામાં કોઈ જ ગામનો ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. છેલ્લે સરકાર દ્વારા ઑક્ટોબર-2017માં રૂડા હેઠળ 48 ગામનો સમાવેશ કરાયા બાદ નવો જ ઉમેરો કરાયો નથી એટલા માટે લોકોએ આ બનાવટી નકશા ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં. આવી કારસ્તાની સસ્તા ભાવે જમીન વેચાવા લાગે અને તે જમીન સસ્તા ભાવે ખરીદ કર્યા બાદ મોંઘા ભાવે વેચી દેવા માટે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે ખાસ કરીને રૂડા હસ્તકના ગાર્મોમાં રહેતાં ખેડૂતોએ આ નકશા પર વિશ્વાસ કરવો નહીં.
રૂડા દ્વારા ટૂંક સમયમાં જ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. જ્યારે રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ જણાવ્યું કે આ નકશો તેમનું 1025 સભ્યોનું વૉટસએપ ગ્રુપ છે તેમાં આવ્યો હતો પરંતુ તપાસ કરતાં આ નકશો બનાવટી હોવાનું ધ્યાન પર આવ્યું હતું કેમ કે સરકાર દ્વારા રૂડા હસ્તકના ગામમાં કોઈ જ નવું કામ ઉમેરવાની જાહેરાત કરાઈ ન્હોતી. જો જાહેરાત કરાઈ હોય તો ધ્યાન પર આવ્યા વગર રહે જ નહીં.