120 કરોડના ખર્ચે રાજકોટથી ભાદર ડેમ સુધીની 35 વર્ષ જૂની પાઇપલાઇન બદલાશે : 14 ગામને થશે ફાયદો
રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો હોય પીવાના પાણીની જરૂરિયાતમાં પણ દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. બીજી બાજુ શહેર તેમજ આસપાસના ગામોને વર્ષો જૂની પાઈપ લાઈનમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હોય ઓછા ફોર્સ, લીકેજ તેમજ પૂરતું પાણી નહીં મળી રહ્યાની ફરિયાદો પણ વારંવાર મળી રહી હોવાથી મહાપાલિકા દ્વારા હવે લાઈન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને રાજકોટથી ભાદર ડેમસુધીની 42 કિલોમીટર લાંબી પાઈપ લાઈન 35 વર્ષ જૂની થઈ ગઈ હોય 120 કરોડના ખર્ચે તેને બદલવામાં આવશે.42 કિલોમીટર સુધીનું કામ એક જ એજન્સીને આપવાની જગ્યાએ મહાપાલિકા દ્વારા આ કામ માટે ચાર ટેન્ડર કર્યા છે જેથી એક એજન્સી પર નિર્ભર રહેવું ન પડે. તંત્ર દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના કામ માટે અલગથી ટેન્ડર કરાયું છે. ગોંડલ ચોકડીથી રીબડા સુધીની લાઈન નવી હોવાથી તેને યથાવત રાખવામાં આવશે.
આ પણ વાંચો : રસ્તામાં ખાડા પડ્યા કે પછી ખાડે ગયું છે રાજકોટ શહેર ! બાઇક ખાડામાં ખાબકે, કારમાં બેઠેલાની કમર તૂટે અને પગપાળા જતા લોકોના પગ મચકોડાઈ
જ્યારે રીબડાથી ભાદર ડેમ સુધીની 11 કિલોમીટરની લાઈન બદલવા માટે ત્રણ ટેન્ડર કરવામાં આવ્યા હોવાનું ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું.આ લાઈન બદલવા માટે સરકાર દ્વારા 212 કરોડ રૂપિયાના ખર્ચને બહાલી આપી છે તેમાંથી જ આ ખર્ચ કરવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા 120 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર કરાયું છે. જો કે આ લાઈન બિછાવવામાં હાઈ-વે ઓથોરિટીને પણ ચાર્જ ચૂકવવાનો રહેશે પરંતુ હજુ સુધી ઓથોરિટી તરફથી કેટલો ચાર્જ વસૂલાશે તેનો અંદાજ આપવામાં આવ્યો નથી. એકંદરે આ લાઈન મારફતે 14 ગામને કનેક્શન આપવામાં આવશે. અત્યારની લાઈન 863 મીમીની છે. જો કે નવી લાઈન 1016 મીમીની બિછાવવામાં આવશે.
ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા બાદ ટૂંકમાં ટેક્નીકલ બિડ કરવામાં આવશે અને કામ અપાઈ ગયા બાદ ચોમાસા પછી અથવા તો દિવાળી બાદ કામ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.