રસ્તામાં ખાડા પડ્યા કે પછી ખાડે ગયું છે રાજકોટ શહેર ! બાઇક ખાડામાં ખાબકે, કારમાં બેઠેલાની કમર તૂટે અને પગપાળા જતા લોકોના પગ મચકોડાઈ
પાણી અને ડામરને આડવેર છે એની બધાને ખબર છે પણ જેની જવાબદારી છે એ બધા આંખ આડા કાન કરે છે. રાજકોટમાં આ વખતે હજુ સીઝનનો 15-16 ઇંચ વરસાદ જ પડ્યો છે અને દરેક વોર્ડમાં અને દરેક રોડ ઉપર ખાડા પડી ગયા છે. રોડ ઉપરથી ડામરનું ધોવાણ થઇ ગયું છે અને શેરીઓમાં અનેક કારણોસર રોડ તૂટ્યા છે. જો કે, આવુ કાંઇ પહેલી વાર બન્યુ નથી. વરસોથી આવું બનતું જ આવે છે.થોડો અમથો વરસાદ પડે અને નવો-જુનો ગમે તે ડામર જવાબ આપી દે છે. ટુ-વ્હીલર્સ આ ખાડામાં વ્યવસ્થિત રીતે ખાબકે છે..ફોર વ્હીલમાં બેઠેલાની કમર તૂટે છે અને પગપાળા જતા લોકોના પગ મચકોડાઈ જાય છે.

આવુ કાંઇ થાય નહી તે જોવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. ઈજનેરોની છે..વોર્ડ ઓફિસરોની છે અને એનાથી પણ મોટા મોટા અધિકારીઓની છે પણ કમનસીબે કોઈ જોતુ નથી. બધા જ જાણે છે કે, ઉનાળા પછી ચોમાસુ જ આવે છે આમ છતાં પાઈપલાઈનના કામ આખો ઉનાળો પૂરો થવા આવે ત્યારે જ શરુ કરવામાં આવે છે. શેરી-ગલી બધુ ખોદી નાખવામાં આવે છે. ઘડીક એમ થાય કે વિકાસ માટે આવું કરવું પણ જરૂરી હોય છે પણ ક્યાંક તો સમજણ હોવી જોઈએ કે નહી..
રાજકોટ મહાપાલિકાનું તંત્ર તો આગ લાગે ત્યારે જ કુવો ખોદવા બેસે તે માટે પહેલેથી જ પંકાયેલુ છે. ચોમાસુ બેઠુ ત્યારે રસ્તાના ખાડા આધુનિક પદ્ધતિથી બુરવા માટે જેટ પેચર મશીનના ટેન્ડર બહાર પાડ્યા હતા. આ કામ ઉનાળામાં પણ થઇ શકે છે અને શિયાળામાં પણ થઇ શકે છે. અધિકારીઓ શા માટે એડવાન્સ વિચારતા નથી તે રાજકોટવાસીઓ જાણવા માગે છે. એક પણ કાયદામાં અને ખાસ કરીને બીપીએમસી એક્ટમાં એવું તો ન જ લખ્યુ હોય કે બધુ કામ છેલ્લી ઘડીએ જ કરવું.
આ પણ વાંચો : મહોરમ પર્વને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ : આવતીકાલથી બે દિવસ તાજિયાના આ રૂટ પર વાહનોને નો-એન્ટ્રી
આમ તો બધા શહેરમાં વરસાદમાં ખાડા પડે જ છે..અમદાવાદમાં ખાડા માટે ભુવા શબ્દ પ્રચલિત છે અને ત્યાં પણ મોટા મોટા ખાડા પડે છે પરંતુ ત્યાના ભુવા પડવાનું કારણ ડામર કરતા રોડની નીચેના ભાગે રહેલું પોલાણ વધુ જવાબદાર છે. આપણે ત્યાં રોડની નીચે ખડક છે અને અમદાવાદ જેવા શહેરમાં રેતીનો ભાગ વધુ છે તેથી ત્યાં ભુવા પડી જાય છે. આપણે ત્યાં તો ખડકાઉ જમીન છે અને આપણે ત્યાં ભુવા પડતા નથી . જે પડે છે તે ડામર ઉખડી જવાથી પડી જતા ખાડા છે. આ ખાડા સો એ સો ટકા માનવ સર્જિત છે. કદાચ એટલે જ બુધવારે રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં આ ખાડા પુરાણ ઉખળ્યુ હતું અને ખુદ મુખ્યમંત્રીએ આ મુદ્દાને ગંભીર ગણીને અધિકારીઓને ખાડાની સમસ્યા દુર કરવા માટે સુચના આપી હતી.
અધિકારીઓ ધારે તો બધું કરી શકે છે પણ કરવુ નથી તે સનાતન સત્ય છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક એમ બંને મીડિયામાં આ ખાડા નગરીના સમાચારો આવે છે અને તંત્રની ટીકા થયા છે પણ કોઈના પેટનું પાણી હલતુ નથી. પહેલાના સમયમાં અખબારમાં જો આવો એકાદ ફોટો આવે તો સવારે જવાબદાર અધિકારીનો ઉધડો લેવાઈ જતો અને એક જ દિવસમાં ખાડો બુરાઈ જતો..પણ અત્યારે સ્થિતિ જુદી છે..કોઈને કોઈની પડી નથી…તંત્ર અને સત્તાધીશોની ચામડી જાડી થઇ ગઈ છે અને વિરોધપક્ષ નિરાધાર છે. આવી સ્થિતિમાં રાજકોટની ૨૫ લાખની વસતિ ભોગવે છે.
ભાગ્યે જ કોઈ એવી શેરી હશે કે જ્યાંથી ચાલુ વરસાદમાં નીકળતા બીક ન લાગે. સવારે નીકળા હો ત્યારે કાંઇ ન હોય અને સાંજે ફરી નીકળો ત્યારે મોટો ખાડો પડી ગયો હોય અને આ ખાડામાં તમે પણ પડી ગયા હો..!!ભૂતકાળમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવા જ ખાડાએ અખબારના એક વિતરકનો ભોગ લીધો હતો પણ આ વાત અત્યારે બધા ભૂલી ગયા છે. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે થોડો હોબાળો મચે છે અને પછી બધા રૂટીન લાઈફમાં ગોઠવાઈ જાય છે. ખાડા મુક્ત રાજકોટ કરવાની વાતો કરનારા ઢોર મુક્ત રાજકોટ પણ નથી કરી શક્યા. આ વરસાદી સિઝનમાં અનેક વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળે છે અને તેને લીધે રાહદારીઓ અને વાહનચાલકો જોખમનો અનુભવ કરે છે.
આ વખતે ચોમાસુ વહેલુ બેસવાનુ છે એ બધાને ખબર હતી પરંતુ તંત્રનું આવા ખાડા બુરવા માટે કોઈ આગોતરું આયોજન હતુ જ નહી..ઉલટાનું લક્ષ્મીનગર જેવા વિસ્તારમાં ડામર રોડનું કામ ચાલુ વરસાદે કરીને રાજકોટવાસીઓને ઈજનેરી કૌશલ્યનો પરિચય પણ કરાવ્યો છે. રાજકોટની પ્રજાની અત્યારે કસોટી થઇ રહી છે. આ ચોમાસુ હેમખેમ પૂરું થઇ જાય તેની પ્રાર્થના કરી રહ્યા છે.
માંગ્યો મેઘ ના વરસતો,વરસ્યો ત્યાં મ્હેર ને કહેર
રસ્તામાં ખાડા પડ્યા કે પછી ખાડે ગયું છે શહેર !
ભૂવા બજાવે ડાકલા ને ધૂણે આખું ગામ
ભૂવે પડ્યા તો ખાટલા,એનું લેશો નહીં કોઇ નામ !
- તુષાર શુક્લ