સોફ્ટવેર એન્જિનિયરે સ્ત્રી મિત્રની હત્યા કર્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત
હજુ ત્રણ દિવસ પહેલાં જ સાથે રહેવાનું શરૂ કર્યું હતું
ગુરુગ્રામમાં એક ચકચાર મચાવનારી ઘટનામાં સોફ્ટવેર એન્જિનિયરે પોતાની સ્ત્રી મિત્રની ચાકુના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. બંને માત્ર ત્રણ દિવસ પહેલાં જ એક જ ફ્લેટમાં રહેવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મૃતક યુવતીની ઓળખ ઉત્તર પ્રદેશના સીતાપુરની રહેવાસી ઈશારા અયુબી તરીકે થઈ છે. તે ગુરુગ્રામના સેક્ટર-55માં ભાડાના ફ્લેટમાં રહેતી હતી. પરિવારજનોના વારંવાર ફોન કરવા છતાં સંપર્ક ન થતાં તેમણે સેક્ટર-56 પોલીસને જાણ કરી હતી. પોલીસે ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં ઈશારા લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવી હતી.
આ પણ વાંચો: ઈરાનના હુમલામાં અમેરિકી પેટ્રિયોટ સિસ્ટમ અને ડ્રોનના કાફલાનો ખાત્મો
તપાસ દરમિયાન,છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી અને સોફ્ટવેર એન્જિનિયર શ્રેષ્ઠ મલિક ઘટનાના થોડા સમય પહેલાં ઈશારાના ફ્લેટે આવ્યો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે દરમિયાન ગઢી રેલવે સ્ટેશન નજીક પાટા પરથી તેનો કટકા થયેલો મૃતદેહ મળી આવ્યો હતોં. શ્રેષ્ઠે ઈશારાની હત્યા કર્યા બાદ
પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું પોલીસનું માનવું છે. પોલીસ બંનેના મોબાઇલ ફોન, કોલ રેકોર્ડ, ચેટ્સ તેમજ સીસીટીવી ફૂટેજ સહિતના ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે. બંને વચ્ચેના સંબંધોની હકીકત અને હત્યા-આપઘાત પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે તેમ પોલીસે જણાવ્યું હતું.
