ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી અર્જુન મોઢવાડિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યા
જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરાશે
ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે. વન્યજીવોને ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે તેવા પ્રયત્નો હાથ ધરાશે
ગાંધીનગર: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે સંદર્ભે ગહન ચર્ચા કરી કેટલા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં દુ:ખદ ઘટના બની હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા કેટલાક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: 149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદ અને આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે,’’.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે. વળી, સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં 25 ટ્રેકર કાયમી વોચ રાખશે.
ગિરનાર પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા સંદર્ભે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે.
