149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 270 રનથી કારમી હાર આપી. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં લોર્ડ્સ પર ટેસ્ટ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની. યસ્તિકા ભાટિયાના શતક અને ક્રાંતિ ગૌડની 5 વિકેટની મદથી ભારતીય બોલર્સે ઈંગ્લેન્ડને 186 રનમાં ઓલઆઉટ કરી આ ઐતિહાસિક જીત પોતાના નામે કરી.
ચોથા દિવસે બોલર્સનો તરખાટ, ઈંગ્લેન્ડ 186 રનમાં ઢેર
મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે 130/6ના સ્કોરથી આગળ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ ભારતીય બોલર્સે તક આપી નહીં. સ્નેહ રાણાએ એમી જોન્સને 54 રન પર આઉટ કરી અને દીપ્તિ શર્માએ ઈસ્સી વોંગને 1 રન પર પેવેલિયન ભેગી કરી. પરિણામે ઈંગ્લેન્ડની આખી ટીમ બીજી ઈનિંગમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે ભારતે મેચ 270 રનથી જીતી લીધી.
બેટિંગમાં રનનો પહાડ, 457 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે પહેલી ઈનિંગમાં 285 રન બનાવ્યા. તેમાં સ્મૃતિ મંધાના 83, હરમનપ્રીત કૌર 58 અને દીપ્તિ શર્મા 57 રનની ઈનિંગ્સ રહી. ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં માત્ર 170 રનમાં સમેટાઈ જતા ભારતને 115 રનની લીડ મળી.
બીજી ઈનિંગમાં યસ્તિકા ભાટિયાએ 113 રનની શાનદાર સદી ફટકારી. સાથે સ્મૃતિ મંધાના 70 અને ઋચા ઘોષે અડધી સદી ફટકારી. ભારતે 7 વિકેટે 341 રન બનાવી દાવ ડિકલેર કર્યો અને ઈંગ્લેન્ડને 457 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો.
ઓનર્સ બોર્ડ પર 2 ભારતીય ખેલાડીઓનું નામ
આ ઐતિહાસિક જીતમાં 2 ભારતીય ખેલાડીઓએ લોર્ડ્સના પ્રખ્યાત ‘ઓનર્સ બોર્ડ’ પર નામ નોંધાવ્યું:
ક્રાંતિ ગૌડ: પહેલી ઈનિંગમાં 37 રન આપીને 5 વિકેટ
યસ્તિકા ભાટિયા: બીજી ઈનિંગમાં 113 રનની સદી
આ સાથે જ તેઓ લોર્ડ્સ પર આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર્સ બની ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને પણ બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈ ઓનર્સ બોર્ડ પર સ્થાન મેળવ્યું.
ટીમ ઈન્ડિયાની આ જીત માત્ર એક મેચ નથી, પરંતુ મહિલા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ છે. લોર્ડ્સના મેદાન પર તિરંગો લહેરાવીને ભારતીય મહિલાઓએ સાબિત કરી દીધું કે તેઓ પણ ઈતિહાસ બનાવી શકે છે.
