૩૦ હજારના ૧૮ હપ્તે મળતું આવાસ લેવા પડાપડી: ૧૧ દિ’માં ૭૬૬૫ ફોર્મ ઉપડ્યા
રેલનગરમાં મનપાની ૫.૫૦ લાખમાં ૨ બીએચકેની ૧૦૧૦ આવાસની યોજના: ૨૨ ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે ફોર્મ
લોકોને સસ્તા ભાવે ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરોમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રાજકોટમાં વધુ એક આવાસ યોજના બનવા જઈ રહી છે જેની કિંમત ૫.૫૦ લાખ નક્કી કરવામાં આવી છે. આ આવાસ ૩૦ હજારના ૧૮ હપ્તે આપવામાં આવશે જેનું ફોર્મ લેવા માટે પડાપડી થઈ રહી છે અને ૧૧ દિવસમાં જ ૭૬૬૫ ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ આવાસ યોજના રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ બંગ્લોઝ તેમજ વેરહાઉસ પાસે નિર્માણ પામશે જેમાં ૪૦ ચો.મી.ના બાંધકામમાં ૧ રૂમ, ૧ સ્ટડીરૂમ, રસોડું, હોલ, વોશ એરિયા, બાથરૂમ, ટોયલેટની સગવડતા મળશે. આ આવાસોની કિંમત ૫.૫૦ લાખ તેમજ ૬૦ હજાર મેઈન્ટેનન્સ ખર્ચ મળી ૬.૧૦ લાખ રૂપિયામાં મળશે. જ્યારે અરજદારે દસ્તાવેજનો ખર્ચ અલગથી ચૂકવવાનો રહેશે. આ આવાસ તેને જ મળશે જેની વાર્ષિક આવક મર્યાદા ૩ લાખ કે તેથી ઓછી હશે. આ આવાસ યોજનાના ફોર્મ કોટક મહિન્દ્રા બેન્કની તમામ શાખાઓ તેમજ મહાપાલિકાના તમામ સિવિક સેન્ટર પરથી મળી શકશે. અરજી ફોર્મની કિંમત ૧૦૦ છે તેમજ અરજી જમા કરાવતી વખતે ડિપોઝિટની રકમ રૂા.૧૦,૦૦૦ જમા કરાવવાની રહેશે.
આ આવાસો માટે અરજીઓનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે. આવાસ માટે પસંદગી પામનાર લાભાર્થીને ૩૦ હજારના એકસરખા ૧૮ માસિક હપ્તાથી રકમ ભરપાઈ કરવાની રહેશે. આ ફોર્મ ૨૨ ડિસેમ્બર સુધીમાં મેળવી શકાશે.