મચ્છરના કબજા’માં રાજકોટ !!
ડેંગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાના કેસની સતત
લીડ’: શરદી-ઉધરસ-તાવના દર્દીઓ ઘટતાં જ નથી: સીઝન'ને કારણે આવું થઈ રહ્યું છે, તંત્રએ શોધી કાઢી છટકબારી !
રાજકોટમાં અત્યારે લગ્નગાળાની સીઝન સોળે કળાએ ખીલી ઉઠી છે બરાબર ત્યારે જ રોગચાળાએ ચારેય બાજુ આતંક મચાવવાનું શરૂ કરી દીધું હોય તેમ ઠેર-ઠેર દર્દીઓ જ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ રાજકોટ શહેર પર મચ્છરો એ
કબજો’ કરી લીધો હોય તેમ ડેંગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસ સતત `લીડ’ મતલબ કે આગેકૂચ કરી રહ્યા છે તો શરદી-ઉધરસ-તાવના દર્દીઓ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. બીજી બાજુ રોગચાળો કાબૂમાં કરવામાં સતત નિષ્ફળ નિવડેલા તંત્રએ જવાબદારીમાંથી છટકી જવાની છટકબારી શોધી કાઢી હોય તેમ બિન્દાસ્તપણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોગચાળો અત્યારે સીઝનને કારણે વકરી રહ્યો છે !!
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાના આંકડા આ વખતે પણ ડરામણા જ છે. તા.૨૭-૧૧થી તા.૩-૧૨ સુધીમાં શહેરમાં ડેંગ્યુના વધુ ૮ (વર્ષના ૧૯૧), ચિકનગુનિયાના ૫ (વર્ષના ૭૪), મેલેરિયાનો ૧ (વર્ષના ૩૭) કેસ મળ્યો છે. આવી જ રીતે શરદી-ઉધરસ-તાવના ૮૬૦ (વર્ષના ૨૦૬૮૩), સામાન્ય તાવના ૬૮ (વર્ષના ૨૧૪૫) અને ઝાડા-ઊલટીના ૧૮૦ (વર્ષના ૬૧૦૬) દર્દી નોંધાયા છે.
જો કે આ આંકડા માત્રને માત્ર સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો તેમજ અમુક ગણીગાંઠી ખાનગી હોસ્પિટલો પાસેથી જ એકઠા કરવામાં આવ્યા છે ત્યારે જો આખા રાજકોટમાંથી દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે તો તે અત્યંત ભયાનક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
દર ત્રીજી વ્યક્તિનું ગળું બેસી જતું હોવાની ફરિયાદો
રોગચાળો અત્યારે રફ્તાર પકડી રહ્યો છે ત્યારે શરદી-ઉધરસના કેસમાં એકદમ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને અત્યારે દર ત્રીજી વ્યક્તિનું ગળું બેસી ગયું હોય તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે ત્યારે મહાપાલિકામાં પણ સ્થિતિ આવી જ છે અને અનેક નેતાઓ પણ રોગચાળાની ઝપટે ચડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.