લઘુતમ વેતન આપો : રાજકોટમાં આશાવર્કર બહેનોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા
પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો તા. 20 થી 22 ઓગસ્ટ ભારતભરમાં હડતાળ
રાજકોટ : છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત રાજ્યભરમાં આશા વર્કર, ફેસિલિએટર બહેનો અને આંગણવાડી વર્કરો પોતાની વિવિધ માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. બે દિવસ પહેલા જ આશા અને આંગણવાડી વર્કરોએ તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની વિવિધ પડતર માગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ માગણીઓ પરિપૂર્ણ ન થતાં ગુરુવારે રાજકોટમાં આશાવર્કર બહેનોએ સીટુના નેજા હેઠળ રેલી યોજી પડતર પ્રશ્નો મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનનના નેજા હેઠળ આજે રાજકોટના આશાવર્કર બહેનોએ રેલી યોજી ‘અમે અમારો હક માંગીએ છીએ ભીખ નથી માગતા’, ‘વય મર્યાદા દૂર કરો’, ‘પેન્શન યોજના ચાલુ કરો’, ‘કાયમી કરો’ સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે ઓલ ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના અગ્રણી રંજનબેને જણાવ્યું હતું કે, 2018 બાદ માનદ વેતનમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી વધી રહી છે તેમ છતાં 6 વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. વધુમાં આંગણવાડી વર્કરોના આ વર્ષના બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એક દિવસના 496 રૂપિયા લેખે લઘુતમ વેતન ચુકવવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. સાથે જો તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 20, 21 અને 22 ઓગસ્ટે સમગ્ર ભારતમાં હડતાળ પાડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.