લોન ડિફોલ્ટર અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું, શું આપ્યો ચુકાદો ? વાંચો
બેન્ક સાથે સેટલમેન્ટ બાદ કરજદાર સામે કોઈ કેસ ચાલી શકે નહી
સુપ્રીમ કોર્ટનો મહતવો ચુકાદો; એક બિઝનેસમેનની અરજીની સુનાવણી દરમિયાન કેટલાક ક્રિમિનલ કેસ ફગાવી દીધા
દેશના વ્યાપારી સંગઠનો અને ઉદ્યોગસાહસિકો માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક બહુ જ મોટો અને રાહત આપતો ચુકાદો સામે આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો બૅંક અને લોન લેનાર, દેવાદાર વચ્ચે ખાતાના સેટલમેન્ટ માટે પરસ્પર સમજૂતી કે કરાર થઈ ચૂક્યા હોય, તો ત્યારબાદ લોન ડિફોલ્ટર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ક્રિમિનલ કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં. અદાલતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સેટલમેન્ટ પછી પણ આવી કાયદાકીય કાર્યવાહીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવી એ માત્ર હેરાનગતિ જ નથી, પરંતુ તેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકે છે.
આ પણ વાંચો: બંગાળમાં મદ્રેસામાં ફરજિયાત વંદે માતરમ્ ગાન મુદ્દે વિવાદ વધ્યો
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક ઉદ્યોગપતિની અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને તેમની સામે ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસોને ફગાવી દીધા છે.
કોર્ટે જણાવ્યું હતું કે બૅંકિંગ સાથે જોડાયેલા તમામ વ્યવહારો મૂળભૂત રીતે વ્યાપારી અને નાણાકીય પ્રકૃતિના હોય છે. જ્યારે બે પક્ષો આપસી સહમતિથી વિવાદનો અંત લાવી ચૂક્યા હોય, ત્યારે ત્યારબાદ પણ ગુનાહિત કેસ ચલાવવો એ ન્યાયિક પ્રક્રિયાનો સરેઆમ દુરુપયોગ છે. આવા કિસ્સાઓમાં આરોપીને દોષિત ઠેરવવાની કોઈ શક્યતા રહેતી નથી અને કેસ ખેંચવો એ અન્યાય સમાન છે.
આ મામલાની વિગતો એવી છે કે એક બિઝનેસમેને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલની સમક્ષ બૅંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કર્યું હતું. આ કરાર અંતર્ગત તેમણે કુલ 6.49 કરોડ રૂપિયાના બાકી લેણાંની સામે 4.25 કરોડ રૂપિયાની ચૂકવણી બૅંકને કરી દીધી હતી, જેમાં 3.09 કરોડ રૂપિયા વ્યાજની રકમનો પણ સમાવેશ થતો હતો.
